વેસ્ટ જર્મનીની એક કોર્ટે તાજેતરમાં એક પેલિએટિવ કેર નર્સ તરીકે ફરજ બજાવતા એક પુરુષને 10 દર્દીઓની હત્યા કરવા અને અન્ય 27 લોકોને મારવાનો પ્રયાસ કરવા બદલ આજીવન કેદની સજા ફટકારી હતી. આ વ્યક્તિનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. તેને પોતાની ફરજ દરમિયાન કામનો ભાર ઓછો કરવા માટે મોટાભાગના વૃદ્ધ દર્દીઓને ઇન્જેક્શનના વધુ ડોઝ આપવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. આ ઘટના ડિસેમ્બર 2023 અને મે 2024ની વચ્ચે વેસ્ટ જર્મનીના વુર્સેલીન શહેરની એક હોસ્પિટલમાં બની હતી. પ્રોસીક્યુટર્સે એચેન કોર્ટને જણાવ્યું હતું કે, જે દર્દીઓને વધુ સંભાળની જરૂર હતી તેવા દર્દીઓ પ્રત્યે આ પુરુષ નર્સે નારાજગી દર્શાવી હતી અને તેણે તેમના પ્રત્યે સહાનુભૂતિ પણ દાખવી નહોતી. મીડિયા રીપોર્ટ મુજબ, પ્રોસીક્યુટર્સ માને છે કે, તેણે આવી રીતે કરેલી હત્યાઓની સંખ્યા વધુ હોવાનું અનુમાન છે, સંભવિત પીડિતોને ઓળખવા માટે તેમને કબરોમાંથી કાઢવામાં આવી રહ્યા છે, જેના કારણે તેની સામે ફરીથી કેસ થઇ શકે છે. આ વ્યક્તિએ 2007માં નર્સિંગની ટ્રેનિંગ પૂર્ણ કર્યા પછી, 2020માં વુર્સેલીનની હોસ્પિટલમાં કામ શરૂ કર્યું હતું. તેણે રાત્રે ફરજ દરમિયાન દર્દીઓના ઝડપથી મોત નિપજાવવા અને તેના પોતાના કામનું ભારણ હળવું કરવા માટે મોર્ફિન અને મિડાઝોલમ જેવી દવાના વધુ પડતા ડોઝ આપ્યા હોવાનું કહેવાય છે. આ ગુનામાં તેની 2024માં ધરપકડ કરવામાં આવી હતી. તે તેના ગંભીર ગુના મુજબ 15 વર્ષ પછી જ મુક્ત થઇ શકશે. તેની પાસે ઉપલી કોર્ટમાં અપીલ કરવાનો અધિકાર છે.













