મહાકુંભ ઉત્સવથી પ્રેરિત અને ગાયક-સંગીતકાર સિદ્ધાંત ભાટિયા દ્વારા પ્રસ્તુત આધ્યાત્મિક આલ્બમ ‘સાઉન્ડ્સ ઓફ કુંભ’ને શ્રેષ્ઠ વૈશ્વિક સંગીત આલ્બમ કેટેગરીમાં 68મા ગ્રેમી એવોર્ડ્સ માટે નોમિનેટ કરાયું છે. આ કેટેરીમાં અનુષ્કા શંકરના ‘ચેપ્ટર III: વી રિટર્ન લાઇટ’ને પણ નોમિેનેશન મળ્યું છે.
ગયા અઠવાડિયે 68મા વાર્ષિક ગ્રેમી એવોર્ડ્સ માટેના નોમિનેશનની જાહેરાત કરાઈ હતી. ઉત્તર પ્રદેશ સરકારની સાંસ્કૃતિક પહેલ તરીકે આ આલ્બમ નેટવર્ક18 અને હિસ્ટ્રીટીવી18 સાથે ભાગીદારીમાં બનાવવામાં આવ્યું છે અને યુનિવર્સલ મ્યુઝિક ઇન્ડિયા વૈશ્વિક ડિસ્ટ્રિબ્યુશન કર્યું છે.
ભારત અને વિદેશના ૫૦થી વધુ કલાકારો દર્શાવતા આ ૧૨-ટ્રેક પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભની ભાવનાને કેદ કરવાનો છે. આ વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ૪૫ દિવસ માટે યોજાયેલા મહાકુંભમાં ૬૦ કરોડથી વધુ શ્રદ્ધાળુઓ આવ્યા હતાં.
વિવેચકો દ્વારા મહાકુંભના “સોનિક સંસ્મરણ” તરીકે વર્ણવવામાં આવેલા આ આલ્બમમાં પ્રયાગરાજના લાઇવ ફિલ્ડ રેકોર્ડિંગ્સ, પ્રાચીન મંત્રો તથા ભાટિયા અને સોલટ્રેક્સ સ્ટુડિયોના સમકાલીન સંગીતનું મિશ્રણ કરવામાં આવ્યું છે.
આ પ્રોજેક્ટ્સમાં ભાટિયા, જીમ “કિમો” વેસ્ટ, રાઘવ મહેતા, માડી દાસ, રોન કોર્બ, ચારુ સુરી અને દેવરાજ સાન્યાલે સહયોગ કર્યો કર્યો છે. ભાટિયાએ કહ્યું કે ગ્રેમી નોમિનેશન એ મહાકુંભના શાંતિ અને એકતાના સંદેશની માન્યતા છે.












