ઓઇલ
(ANI Photo)

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ફરી એકવાર ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા અને આવતા વર્ષે તેઓ ભારતની મુલાકાતે જાય તેવી શક્યતાનો પણ તેમણે નિર્દેશ કર્યો હતો.

વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે મીડિયાને જણાવ્યું હતું કે, “તેઓ (વડાપ્રધાન મોદી) મારા મિત્ર છે, અને અમે વાત કરીએ છીએ, અને તેઓ ઇચ્છે છે કે હું ત્યાં જાઉ હું જઈશ વડાપ્રધાન મોદી એક મહાન માણસ છે, અને હું જઈશ.” આગામી વર્ષે ભારતની મુલાકાત લેવાની તેમની યોજના અંગે પૂછવામાં આવતા, ટ્રમ્પે કહ્યું, “એવું થઈ શકે છે, હા.”

આમ, ટ્રમ્પે જાહેરાત કરી છે કે તે ટૂંક સમયમાં ભારતની મુલાકાત લેશે. અગાઉ ડૉનાલ્ડ ટ્રમ્પે 2020માં પોતાના કાર્યકાળ દરમિયાન ભારતની મુલાકાત લીધી હતી.

ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી વેપાર વાટાઘાટો અને અમેરિકાએ ભારતીય માલ પર 25 ટકા ટેરિફ તેમજ રશિયન તેલની ખરીદી પર 25 ટકા વધારાનો ટેરિફ લાદવાના મુદ્દા પર ટ્રમ્પે ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે, “તેઓ (ભારત) સારું કરી રહ્યા છે; તેમણે મોટાભાગે રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરી દીધું છે.”

ટ્રમ્પે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધને અટકાવવાનો શ્રેય પોતે લીધો હતો. ટ્રમ્પે દાવો કર્યો કે “ભારત અને પાકિસ્તાન બે પરમાણુ રાષ્ટ્રો છે. 24 કલાકની અંદર, મેં યુદ્ધનો ઉકેલ લાવી દીધો. જો મારી પાસે ટેરિફ ન હોત, તો હું યુદ્ધનો ઉકેલ લાવી શક્યો ન હોત.”

જોકે, આ પૂર્વે ભારત સરકારે સ્પષ્ટતા કરી છે કે પાકિસ્તાનના પોલીસ મહાનિર્દેશક (DGMO) દ્વારા યુદ્ધવિરામની અપીલ કર્યા બાદ જ યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. અગાઉ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાની ટ્રમ્પની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરતા, વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરી કેરોલાઇન લિવિટે કહ્યું હતું , “પ્રેસિડેન્ટ સકારાત્મક અભિગમ ધરાવે છે અને ભારત-અમેરિકા સંબંધો વિશે ખૂબ જ સારી ભાવના ધરાવે છે. થોડા અઠવાડિયા પહેલા, તેમણે વડા પ્રધાન મોદી સાથે સીધા વાત કરી હતી જ્યારે તેમણે ઓવલ ઓફિસમાં દિવાળી ઉજવી હતી, જ્યાં ઘણા ઉચ્ચ પદસ્થ ભારતીય-અમેરિકન અધિકારીઓ પણ હાજર હતા.”

ટ્રમ્પના તાજેતરના દાવા પછી તેમના આ ટિપ્પણીઓ આવી છે કે ભારતે રશિયન તેલની ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. એશિયા પ્રવાસ દરમિયાન, તેમણે નવી દિલ્હીનો ઉલ્લેખ “ખૂબ જ સારો” તરીકે કર્યો હતો અને કહ્યું હતું કે વડા પ્રધાન મોદીએ તેમને ખાતરી આપી હતી કે ભારત મોસ્કોથી કાચા તેલની આયાતમાં ઘટાડો કરશે અથવા તેને બંધ કરશે.

ટ્રમ્પની ટિપ્પણીઓ તેમના વહીવટીતંત્રના વ્યાપક પ્રયાસ સાથે મેળ ખાય છે, જે યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધના સંદર્ભમાં રશિયાને આર્થિક રીતે એકલું પાડવા માટે પ્રતિબંધો અને ઊર્જા નિયંત્રણો દ્વારા દબાણ કરી રહ્યું છે.

LEAVE A REPLY