એક સમયે સલમાન ખાન અને ગોવિંદાની જોડીને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી. ડેવિડ ધવનની ‘પાર્ટનર’ ફિલ્મ સાથે ગોવિંદાએ કારકિર્દીની બીજી ઇનિંગની સફળ શરૂઆત કરી હતી. સલમાન સાથેની તે ફિલ્મ ઘણી સફળ રહી હતી.
સુત્રના જણાવ્યા મુજબ, ‘પાર્ટનર’ના 18 વર્ષ પછી આ જોડી ફરી સાથે જોવા મળશે. કહેવાય છે કે, અત્યારે આ ફિલ્મનું કામ ઘણું પ્રાથમિક તબક્કામાં છે અને હજુ તેનું નામ પણ નક્કી થયું નથી. છેલ્લે તે બંને 2007માં કોમેડી ફિલ્મ ‘પાર્ટનર’માં જોવા મળ્યા હતા, એ એક મોટી બોક્સ ઓફિસ હિટ હતી, જે બોલીવૂડની સૌથી વધુ વખણાતી કોમેડી ફિલ્મ ગણાય છે. જેમાં તેમની સહજ કેમેસ્ટ્રી અને કોમિક ટાઇમિંગ લોકોને ખુબ ગમ્યું હતું.
2000 દસકાની આ સૌથી યાદગાર જોડી બની હતી. તાજેતરમાં બિગબોસના સેટ પર પણ સલમાને એક સંકેત આપ્યો હતો. તેણે કહ્યું હતું કે તે ગોવિંદા સાથે કામ કરી શકે છે. જોકે, આ અંગે હજુ કોઈ અધિકૃત જાહેરાત કરવામાં આવી નથી.
જોકે, આવા રીપોર્ટના આધારે સોશિયલ મીડિયા પર પણ કેટલાક સમાચાર ફરતા થયા છે અને તેના કારણે આ બંને સ્ટાર્સના ચાહકો પણ ઉત્સાહમાં છે. તાજેતરમાં કાજોલ અને ટ્વિંકલના ઓટીટી શોમાં પણ ગોવિંદાએ તેને ડેવિડ ધવનની પાર્ટનર ફિલ્મ કઈ રીતે મળી અને તેણે કઈ રીતે આ ફિલ્મ માટે સલમાન ખાનને મનાવ્યો એ અંગે વાત કરી હતી.












