એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે યુકેમાં દરેક દસમાંથી ચાર (40%) મેડિકલ વિદ્યાર્થીનીઓ સેક્સ્યુઅલ એટેક કે સતામણીનો ભોગ બની છે. બ્રિટિશ મેડિકલ એસોસિએશને (BMA) કરેલા સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે મેડિકલ સ્કૂલ્સમાં અને ક્લિનિકલ પ્લેસમેન્ટ્સમાં “લિંગભેદી અને અસુરક્ષિત” સંસ્કૃતિ સામાન્ય બની ગઈ છે. અહેવાલમાં જણાવાયું છે કે જેમ જેમ વિદ્યાર્થીઓ હોસ્પિટલોમાં કામ કરવા જાય છે તેમ તેમ આ સમસ્યાઓ NHS (નેશનલ હેલ્થ સર્વિસ) માં પણ ઘર કરી જવાનું જોખમ છે.
એક મેડિકલ વિદ્યાર્થિની પર એક વરિષ્ઠ ડૉક્ટરે જાતીય હુમલો કર્યો હતો, તેણે કહ્યું કે મેડિસિનમાં સ્ત્રી-દ્વેષ “સામાન્ય બની ગયો છે”. તેને ચૂપ રહેવા કહેવાયું હતું અને ચેતવણી અપાઈ હતી કે નહીં તો તેની કારકિર્દીને નુકસાન થવાનું જોખમ રહેશે. પીડિતાઓના કહેવા મુજબ તેઓ ભયના ઓથાર જીવતા હતા.
લગભગ 1,000 મેડિકલ વિદ્યાર્થીઓના સર્વેક્ષણમાં જણાયું છે કે 41 ટકા મહિલા અને 19 ટકા પુરૂષ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં જાતીય સતામણી અથવા હુમલાના શિકાર બન્યા છે. આ અહેવાલમાં જાતીય હુમલાના 85 કેસ, બળાત્કાર અથવા બળજબરીથી સેક્સ હુમલાની 37 ઘટનાઓ, પીણામાં નશીલા પદાર્થો ભેળવવાના 43 કેસ અને પીછો કરવાના (stalking) 24 કેસનો સમાવેશ થાય છે. અહેવાલમાં વિદ્યાર્થીઓ અને સંસ્થાઓ તથા નેતાઓ, જેમણે તેમનું રક્ષણ કરવું જોઈએ, તેમની વચ્ચે વિશ્વાસના અભાવની ચેતવણી આપવામાં આવી છે.
એકંદરે જાતીય સતામણી અથવા જાતીય હુમલાની જાણ કરનારા 75 ટકા ફરિયાદીઓએ કહ્યું કે તેઓ પરિણામથી “ખરેખર સંતુષ્ટ નથી” અથવા “જરાય સંતુષ્ટ નથી”.સાઠ ટકા વિદ્યાર્થીઓએ કહ્યું કે તેમને ભવિષ્યની ઘટનાઓના યોગ્ય પ્રતિભાવ માટે તેમની મેડિકલ સ્કૂલના વલણ ઉપર વિશ્વાસ નથી. અને 67 ટકાએ ઘટનાની જાણ નહીં કરવાનું પસંદ કર્યું હતું કારણે કે તેમને લાગતું હતું કે “કોઈ પગલાં લેવાશે નહીં”.
સર્વેક્ષણના મોટાભાગના પ્રતિભાવકર્તાઓ (84 ટકા) મેડિકલ શિક્ષણમાં લિંગભેદને (Sexism) એક સમસ્યા તરીકે જુએ છે, તો કેટલાક લોકોએ સ્ત્રી-દ્વેષી કારકિર્દી સલાહ આપવામાં આવી હોવાની જાણ કરી હતી. એક જણે કહ્યું: “મને સર્જરીથી દૂર રહેવાનું અને જનરલ પ્રેક્ટિસ પર વિચાર કરવાનું કહેવામાં આવ્યું હતું કારણ કે તે મહિલાઓ બાળકો પેદા કરતી હોવાથી તે વધુ સુસંગત છે.”
ડૉ. બેકી કોક્સ, જેમણે મેડિસિનમાં જાતીય હુમલા સામે ઝુંબેશ ચલાવવા માટે ‘સર્વાઇવિંગ ઇન સ્ક્રબ્સ’ નામનું જૂથ સ્થાપ્યું હતું, તેમણે કહ્યું હતું કે, “આ અત્યંત આઘાતજનક ડેટા યુકેમાં મેડિકલ વિદ્યાર્થીઓને અસર કરતી જાતીય હિંસાનું ભયાનક પ્રમાણ દર્શાવે છે. પરિણામો દર્શાવે છે કે મેડિકલ સ્કૂલ્સ અને NHS વિદ્યાર્થીનીઓને સુરક્ષિત કરવામાં નિષ્ફળ રહ્યા છે.”












