ઓસ્ટ્રેલિયાના સિડનીમાં એક ભયાનક કાર અકસ્માતમાં 33 વર્ષીય ગર્ભવતી ભારતીય મહિલાનું મોત થયું હતું.આઠ મહિનાની ગર્ભવતી સમનવિતા ધારેશ્વર તેના પતિ અને ત્રણ વર્ષના પુત્ર સાથે ફરવા જઈ રહી હતી ત્યારે ગયા અઠવાડિયે આ દુર્ઘટના બની હતી.
પોલીસે જણાવ્યું હતું કે શુક્રવારે રાત્રે ૮ વાગ્યે હોર્ન્સબીમાં જ્યોર્જ સ્ટ્રીટ પર ધારેશ્વર અને તેના પરિવારને ફૂટપાથ પાર કરવા દેવા માટે કિયા કાર્નિવલ કાર ધીમી પડી હતી, ત્યારે એક ઝડપી ગતિએ આવતી BMW કારે પાછળથી ટક્કર મારી હતી. કિયા કાર આગળ ધકેલાઈ ગઈ અને ધારેશ્વરને ટક્કર મારી હતી. પોલીસે જણાવ્યું હતું કે અકસ્માતમાં ધારેશ્વરને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમને તાત્કાલિક વેસ્ટમીડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ દુઃખની વાત છે કે તેમને કે તેમના ગર્ભસ્થ બાળકને બચાવી શકાયા નહીં.
લક્ઝરી BMW કાર 19 વર્ષીય પી-પ્લેટર (ડ્રાઇવર જેની પાસે પ્રોવિઝનરી અથવા પ્રોબેશનરી લાઇસન્સ છે) એરોન પાપાઝોગ્લુ ચલાવી રહ્યો હતો. BMW અને Kia કારના ડ્રાઇવરો ઇજાઓ વિના બચી ગયા હતાં.
તેમના લિંક્ડઇન મુજબ, ધારેશ્વર એક આઇટી સિસ્ટમ્સ વિશ્લેષક હતા, જે બિઝનેસ એપ્લિકેશન એડમિનિસ્ટ્રેશન અને સપોર્ટમાં નિષ્ણાત હતા. તે અલ્સ્કો યુનિફોર્મ માટે ટેસ્ટ વિશ્લેષક તરીકે કામ કરતી હતી.












