છેલ્લા કેટલાક વર્ષથી ગુજરાતી સિનેમાના નિર્માણમાં વિવિધ પ્રકારનું પરિવર્તન જોવા મળી રહ્યું છે. સાથે સાથે હવે ગુજરાતી ફિલ્મો પણ હિન્દી ફિલ્મોની બરાબરી કરી રહી છે. તાજેતરમાં રીલીઝ થયેલી અનોખી ગુજરાતી ફિલ્મ ‘લાલો: કૃષ્ણ સદા સહાયતે’ દર્શકોને પસંદ આવી રહી છે.
દર્શકો તેની ચર્ચા સોશિયલ મીડિયા પર ખૂબ જ કરી રહ્યા છે.આ ફિલ્મ વિશેષમાં જૂનાગઢની ભૂમિ અને સંસ્કૃતિ સાથે જોડાયેલી છે. ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ જૂનાગઢ શહેરના ભવનાથ, ગિરનાર, દામોદર કુંડ અને નરસિંહ મહેતાનો ચોરો જેવા પાવન સ્થળોએ કરવામાં આવ્યું છે. આ એવી ગુજરાતી ફિલ્મ છે જે આધુનિક સમયમાં આધ્યાત્મિકતાનો અહેસાસ કરાવે છે. શ્રદ્ધા, મિત્રતા અને જીવનમૂલ્યોને સ્પર્શતી આ ફિલ્મમાં વાર્તા, સંગીત, અભિનય અને દૃશ્યો દ્વારા દર્શકોને અનોખો અનુભવ થશે.
આ ફિલ્મની સ્ટોરી એક રીક્ષા ચાલક યુવક (લાલો) પર આધારિત છે, જે દારૂના રવાડે ચઢી જાય છે અને ખરાબ સંગતમાં ફસાઈ જાય છે. આ યુવકને સુધારવા માટે ભગવાન શ્રીકૃષ્ણ આવે છે અને તેને યોગ્ય શિખામણ આપે છે. આમ, આ ફિલ્મની સંપૂર્ણ સ્ટોરી ભગવાન શ્રીકૃષ્ણ સાથે સંકળાયેલી છે. આ ફિલ્મમાં રીક્ષા ચાલકની આધ્યાત્મિક યાત્રા દર્શાવવામાં આવી છે. તે તેના ભૂતકાળની પીડામાંથી મુક્તિ મેળવવા સતત પ્રયાસ કરે છે, જ્યારે તે લાલચની જાળમાં ફસાય છે ત્યારથી શરૂ થાય છે તેની કૃષ્ણને મળવાની સફર.
આ ફિલ્મમાં આધ્યાત્મિક અને ભાવનાત્મક અભિગમ દર્શાવવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે ભગવાન શ્રીકૃષ્ણ માત્ર ભગવાન જ નહીં પરંતુ આપણા જીવનમાં મિત્ર, માર્ગદર્શક અને વિચાર રૂપે કેવી રીતે પ્રગટ થાય છે. ફિલ્મનો સંદેશ સ્પષ્ટ છે, કે દરેક વ્યક્તિએ પોતાની અંદર રહેલા લાલાને શોધવાનો પ્રયાસ કરવો જોઈએ.
આ ફિલ્મની વાર્તા માનવીય લાગણીઓ, ભક્તિ, સંબંધો અને જીવનમાં શ્રીકૃષ્ણના સહયોગનો અનુભવ કરાવે છે. આ ફિલ્મ માત્ર મનોરંજન નથી, પરંતુ આધ્યાત્મિક સંદેશ પણ આપે છે કે શ્રીકૃષ્ણ દરેક ક્ષણે આપણું માર્ગદર્શન કરે છે. આ ફિલ્મના મુખ્ય કલાકારોઃ રીવા રાછ, શ્રુહદ ગોસ્વામી, કરણ જોશી, આકાશ પંડ્યા અને મૌલિક ચૌહાણ. લેખન: કૃષ્ણેશ વાઝા, વિક્કી પૂર્ણિમા, અંકિત સાખિયા. સંગીત અને બેકગ્રાઉન્ડ સ્કોર: સ્મિત જય. ગીતકાર: પ્રેમ ડી. દવે












