ભારત સરકાર માલિકીની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 2026માં અમેરિકાથી રાંધણ ગેસ LPG આયાત કરવા માટે એક વર્ષના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. રશિયન ઊર્જાની ખરીદી બંધ કરવા માટે અમેરિકા ભારત પર દબાણ કરી રહ્યું છે ત્યારે આ કરાર કરવામાં આવ્યો છે. ભારત ક્યારેયર અમેરિકાથી આયાત કરે છે. જોકે આવા કરાર હેઠળ ભારતની અમેરિકાથી આ પ્રથમ ખરીદી હશે.
આ કરારને અમેરિકા સાથે ભારતના વેપાર સરપ્લસમાં ઘટાડો કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે. સોમવારે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે “ભારતીય PSU તેલ કંપનીઓએ 2026માં યુએસ ગલ્ફ કોસ્ટથી લગભગ 2.2 મિલિયન ટન LPG આયાત કરવા માટે એક વર્ષનો માળખાગત કરાર કર્યા છે. અમેરિકા સાથે ભારતનો આવો પ્રથમ કરાર છે. આ કરાર હેઠળ વાર્ષિક LPG આયાતના 10 ટકા જેટલો એલપીજી અમેરિકાથી ખરીદવામાં આવશે.
ભારત પેટ્રોલ, ડીઝલ અને જેટ ઇંધણ જેવા મોટાભાગના ઇંધણમાં આત્મનિર્ભર છે અથવા તેનું ઉત્પાદન સરપ્લસ છે. પરંતુ ભારત એલપીજીની કુલ જરૂરિયાતમાંથી આશરે 65 ટકાની આયાત કરે છે. 2024માં 20.4 મિલિયન ટન LPG આયાતમાંથી લગભગ 90 ટકા UAE, કતાર, કુવૈત અને સાઉદી અરેબિયાથી કરાઈ હતી. ભારત ક્યારેક ક્યારેક અમેરિકાથી કાર્ગો આયાત કરતું હતું, પરંતુ આ પહેલી વાર છે જ્યારે માળખાગત કરાર કર્યો છે.












