કેલિફોર્નિયા
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

કેલિફોર્નિયાએ ઇમિગ્રન્ટ્સને આપવામાં આવેલા 17,000 કોમર્શિયલ ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવાની બુધવારે જાહેરાત કરી હતી. વિદેશી ડ્રાઇવર્સને અમેરિકામાં રહેવાની કાનૂની પરવાનગી કરતાં તેમના લાઇસન્સની એક્સપાયરી મુદત વધુ હોવાનું બહાર આવ્યા પછી રાજ્યે આ નિર્ણય કર્યો હતો. આ નિર્ણયથી ભારતીય મૂળના સેંકડો ટ્રક ડ્રાઈવરોને ફટકો પડવાની ધારણા છે.

દેશમાં ગેરકાયદે રહેલા લોકોને લાઇસન્સ આપવા માટે કેલિફોર્નિયા અને બીજા રાજ્યોની ટ્રમ્પ સરકાર દ્વારા આકરી ટીકા પછી આ નિર્ણય લેવાયો હતો. અમેરિકામાં ગેરકાયદે રહેતા એક ટ્રેક્ટર-ટેઇલર ડ્રાઇવર્સે ખોટો યુ-ટર્ન લઇને અકસ્માત સર્જ્યા પછી આ મુદ્દો વધુ ચગ્યો હતો. આ આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતાં.

ટ્રમ્પના પરિવહન પ્રધાન સીન ડફીએ જણાવ્યું હતું કે કેલિફોર્નિયાએ અગાઉ તેના લાઇસન્સ ધોરણોનો બચાવ કર્યો હતો, પરંતુ હવે સ્વીકાર્યું છે કે રાજ્યે નિયમનો ભંગ કરીને લાઇસન્સ આપ્યા હતા. ડફીએ ચિંતા વ્યક્ત કર્યા પછી કેલિફોર્નિયાએ કોમર્શિયલ ડ્રાઇવિંગ લાઇસન્સની સમીક્ષા શરૂ કરી હતી.

રાજ્યના ગવર્નરનો ઉલ્લેખ કરીને ડફીએ જણાવ્યું હતું કે કંઇ ખોટું ન કર્યો હોવાનો લાંબા સમય સુધી દાવો કર્યા પછી ગવર્નર ગેવિન ન્યૂસમ અને કેલિફોર્નિયા રંગે હાથે પકડાયા છે. હવે અમે તેમના જુઠાણાનો પર્દાફાશ કર્યો છે, ત્યારે ગેરકાયદેસર રીતે જારી કરાયેલા 17,000 ટ્રકિંગ લાઇસન્સ રદ કરવામાં આવી રહ્યા છે. આ તો માત્ર હિમશિલાનો ટોચનો ભાગ છે. મારી ટીમ કેલિફોર્નિયાને પર દબાણ ચાલુ રાખશે, જેથી કે સેમીટ્રક અને સ્કૂલ બસના દરેક ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ ડ્રાઇવર્સને દૂર કરે.

ગવર્નરના કાર્યાલયે જણાવ્યું હતું કે જે ડ્રાઇવરોનું લાઇસન્સ રદ કરવામાં આવી રહ્યું છે તેમાંથી દરેક પાસે ફેડરલ સરકાર તરફથી વર્ક ઓથોરાઇઝેશન મળેલું હતું. શરૂઆતમાં કાર્યાલયે લાઇસન્સ રદ કરવાનું ચોક્કસ કારણ જાહેર કરવાનો ઇનકાર કરતા ફક્ત એટલું જ કહ્યું હતું કે તેઓએ રાજ્યના કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. જોકે પછી કાર્યાલયે જાહેર કર્યું હતું કે અમેરિકામાં વ્યક્તિની કાનૂની રહેઠાણની મુદત સમાપ્ત થાય તે પહેલાં લાઇસન્સની મુદત સમાપ્ત થવી જોઇએ તે નિયમને કારણે આ લાઇસન્સ રદ કરાયા છે.

LEAVE A REPLY