સોમનાથ

વર્ષ 2026માં મહમૂદ ગઝનવી દ્વારા સોમનાથ મંદિર પર 1026માં કરવામાં આવેલા પ્રથમ આક્રમણના હજાર વર્ષ પૂર્ણ થશે. આજે એક હજાર વર્ષ પછી પણ સોમનાથ મંદિર પૂરા ગૌરવ સાથે અડીખમ ઊભું છે. જોગાનુજોગ, 2026માં જ સોમનાથ મંદિરના પુનર્નિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના છે. 11 મે 1951ના રોજ આ ભવ્ય મંદિરનું પુનર્નિર્માણ સંપન્ન થયું હતું અને ફરી ભક્તો માટે ખુલ્યું હતું. આ સીમાચિહ્નરૂપ ઘટનાને વધુ વિશેષ બનાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 જાન્યુઆરીએ સોમનાથની મુલાકાત લેશે અને ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’માં હાજરી આપશે.

આજે મંદિરના શિખર પર 1,666 સુવર્ણ કળશ અને 14,200 ધજાઓ સાથે ત્રણ પેઢીઓની અડગ શ્રદ્ધા, દ્રઢતા અને કલાત્મકતાના પ્રતિબિંબ તરીકે ઊભું છે. દર વર્ષે લાખો લોકો આ જ્યોતિર્લિંગના દર્શન માટે આવે છે. વર્ષ 2020થી 2024 સુધી વાર્ષિક અંદાજે 97 લાખ શ્રદ્ધાળુઓ સોમનાથના દર્શન માટે આવ્યા છે. બિલ્વ પૂજા માટે છેલ્લા 2 વર્ષમાં શ્રદ્ધાળુઓની સંખ્યા 13.77 લાખ નોંધાઈ હતી, જેમાં મહા શિવરાત્રિ 2025 દરમિયાન 3.56 લાખ શ્રદ્ધાળુઓ આવ્યા હતા. આજે ઓનલાઇન બુકિંગ અને પોસ્ટલ પ્રસાદની સુવિધા એ સુનિશ્ચિત કરે છે કે સોમનાથની પવિત્રતા મંદિરની સીમાઓને પાર કરી તમામ ભક્તો સુધી પહોંચે.

સોમનાથ મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે લાઇટ એન્ડ સાઉન્ડ શૉ અને ઉત્સવોનું આકર્ષણ પણ રહ્યું છે. છેલ્લા 3 વર્ષમાં 10 લાખથી વધુ લોકોએ સોમનાથની ગાથા વર્ણવતો લાઇટ એન્ડ સાઉન્ડ શૉ નિહાળ્યો છે. સોમનાથના આંગણે ઉજવાતા ઉત્સવની વાત કરીએ તો, ગત વર્ષે વંદે સોમનાથ કલા મહોત્સવમાં 1,500 વર્ષ જૂની નૃત્ય પરંપરાઓ પુનર્જીવિત થઈ હતી, જે દર્શાવે છે કે, સોમનાથ માત્ર આસ્થાનું કેન્દ્ર નથી, તે સાંસ્કૃતિક વારસાને પણ ઉજાગર કરે છે.

સોમનાથની યાત્રા ભક્તો માટે વધુ સરળ અને આરામદાયક બને તે હેતુથી કનેક્ટિવિટીમાં મહત્વપૂર્ણ સુધારાઓ કરવામાં આવ્યા છે. ₹828 કરોડના પ્રોજેક્ટ- જેતપુર–સોમનાથ ફોર લેન હાઇવેના કારણે યાત્રિકોને એક્સપ્રેસવેની સુવિધા મળી છે. સાબરમતી–વેરાવળ વંદે ભારત એક્સપ્રેસના કારણે અમદાવાદથી સોમનાથની યાત્રા હવે વધુ ઝડપી અને સુલભ બની છે. આ ઉપરાંત, વર્ષ 2022માં ફરી શરૂ કરવામાં આવેલ કેશોદ ઍરપોર્ટ અને 2023માં રાજકોટ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટના ઉદ્ઘાટન બાદ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે સોમનાથ પહોંચવું સુલભ બન્યું છે.

LEAVE A REPLY