વેનેઝુએલામાં ક્રૂડ ઓઇલની હેરફેર કરતાં પાંચમાં ઓઇલ ટેન્કરને અમેરિકાએ જપ્ત કર્યું હતું. મિલિટરી ઓપરેશન હાથ ધરીને વેનેઝુએલામાંથી પ્રેસિડન્ટ નિકોલસ માદુરોને સત્તા પરથી હટાવ્યા પછી અમેરિકા વેનેઝુએલાની ઓઇલ પ્રોડક્ટ્સ પર પોતાનું નિયંત્રણ ઊભુ કરવા માગે છે. આવા પ્રયાસોના ભાગરૂપે અમેરિકાએ આ પાંચમું ઓઇલ ટેન્કર જપ્ત કર્યું હતું.
ઓલિના નામના ટેન્કરને જપ્ત કરવાની જાહેરાત કરતા યુએસ સધર્ન કમાન્ડે જણાવ્યું હતું કે ગુનેગારો માટે કોઈ સુરક્ષિત જગ્યા નથી. અમેરિકાના વિમાનવાહક જહાજ યુએસએસ ગેરાલ્ડ આર ફોર્ડમાંથી મરીન અને નૌકાદળના સૈનિકોએ આ ટેન્કર સામે કાર્યવાહી કરી હતી અને તે પછી કોસ્ટ ગાર્ડે ટેન્કરનો કબજો કર્યો હતો.
સધર્ન કમાન્ડ અને હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમ બંનેએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં યુ.એસ. હેલિકોપ્ટર જહાજ પર ઉતરતું તથા યુએસ સેનિકો ડેક પર તપાસ કરતા હોવાનું દેખાય છે. નોએમે જણાવ્યું હતું કે આ જહાજ વધુ એક ભૂતિયું જહાજ હતું અને ક્રૂડ ઓઇલનું વહન કરતું હતું. તે યુએસ દળોથી બચવાનો પ્રયાસ કરીને વેનેઝુએલાથી રવાના થયું હતું.
યુએસ સરકારના રેકોર્ડ મુજબ ઓલિનાનું મૂળ નામ મિનર્વા એમ હતું અને તેના પર રશિયન ક્રૂડની હેરફર પર પ્રતિબંધ મૂકાયો હતો, તેથી નામ બદલી ઓલિના કર્યું હતું. ઓલિના હવે તિમોર-લેસ્ટેના ધ્વજનો ઉપયોગ કરે છે.











