વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વધુ એક બાયોપિક બની રહી છે, જેમાં રવીના ટંડન તેમનાં માતા હીરાબા મોદીની ભૂમિરા ભજવશે. અનેક ભાષામાં બની રહેલી ‘મા વંદે’ ફિલ્મમાં અમદાવાદી છોકરો અને ‘માર્કો’ જેવી મલયાલમ ફિલ્મનો સ્ટાર ઉન્ની મુકુંદન પીએમ મોદીનો રોલ કરશે.
17 સપ્ટેમ્બરે પીએમ મોદીના જન્મ દિવસે તેણે આ ફિલ્મની જાહેરાત કરી હતી. આ ફિલ્મનું દિગ્દર્શન ક્રાંતિ કુમાર કરશે. આ ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ હીરાબાની સ્ટોરીમાં “બાળપણમાં જ પોતાના માતાને ગુમાવવા, વિચલિત થયા વગર અને દૃઢ મનોબળથી તેમણે કઈ રીતે પરિવારનો ઉછેર કર્યો” જેવી બાબતોએ રવીનાને આ ભૂમિકા ભજવવા માટે આકર્ષિત કરી હતી.
“મા વંદે એક એવી ફિલ્મ છે, જે ખાસ એક માતા અને દીકરાના સંબંધ પર જ આધારીત છે. આ ફિલ્મમાં મોટાભાગે બલિદાન, દૃઢ નિશ્ચય અને તેમણે પુત્રનું જીવન બહેતર બનાવવા માટે આપેલું યોગદાન જેવી ઘટનાઓ દર્શાવાશે. રવીના ટંડન આ બાબતથી ઘણા પ્રભાવિત થયા અને તે ફિલ્મનો ભાગ બનશે.” આ ફિલ્મના નિર્માણમાં આધુનિક વીએફએક્સ ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે. એક પ્રભાવશાળી વ્યક્તિના પારિવારિક મૂળ અને રાષ્ટ્રીય નેતાને ઘડવામાં માતાની મહત્વપૂર્ણ ભૂમિકા પર ધ્યાન કેન્દ્રિત કરીને, ફિલ્મને બાયોપિક શૈલીમાં તેમનાં જીવનની ઓછી જાણીતી ઘટનાઓ અને બાબતોને ઉજાગર કરવામાં આવશે.













