ન્યૂયોર્કના મેયરની ચૂંટણીમાં એકબીજા પર આકરા પ્રહાર કર્યા પછી અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ન્યૂયોર્કના ચૂંટાઈ આવેલા મેયર ઝોહરાન મમદાની વચ્ચે વ્હાઉટ હાઉસમાં બહુપ્રતિક્ષિત મુલાકાત થઈ હતી. રાજકારણમાં આ બંને કટ્ટર હરીફો વચ્ચેની આ બેઠક અપેક્ષાથી તદ્દન વિપરિત એટલે કે ખૂબ જ સકારાત્મક રહી હતી. મહિનાઓ સુધી એકબીજા વિરુદ્ધ કડવા શબ્દો બોલ્યા પછી બંને ઉષ્માભેર મળ્યાં હતાં અને બેઠકને બંનેએ ફળદ્વુપ ગણાવી હતી.
ટ્રમ્પે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે મમદાની ખૂબ જ સારુ કામ કરી શકે છે. ઓવલ ઓફિસમાં મમદાની તેમની બાજુમાં ઊભા હતાં ત્યારે ટ્રમ્પે બેઠકને શાનદાર ગણાવીને જણાવ્યું હતું કે હું મેયરને અભિનંદન આપું છું. મમદાનીના વહીવટીતંત્ર હેઠળ ન્યૂ યોર્કમાં રહેવાનું તમને યોગ્ય લાગે છે કે નહીં તેવા સવાલના જવાબમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે હા, ખાસ કરીને મીટિંગ પછી ચોક્કસ.
તેઓ હજુ પણ ટ્રમ્પને ફાસીવાદી માને છે કે નહીં તેવો એક પત્રકારે સવાલ કર્યો ત્યારે મમદાની જવાબ આપે તે પહેલા ટ્રમ્પે કહ્યું હતું કે કોઈ વાંધો નહીં. તમે બસ ‘હા’ કહી શકો છો.મામદાનીએ જણાવ્યું હતું કે બંનેએ મકાનના ઊંચા ભાડા, કરિયાણા, યુટિવિટી, જીવનનિર્વાહના સંકટ અને રહેઠાણ જેવા મુદ્દાઓ પર વાતચીત કરી હતી.
અગાઉના ન્યૂયોર્કના મેયરની ચૂંટણી દરમિયાન મમદાની ડાબેરી પાગલ ગણાવીને ટ્રમ્પે ચેતવણી આપી હતી કે મમદાની જીતથી ન્યૂયોર્ક શહેર માટે આર્થિક અને સામાજિક આપત્તિનું કારણ બનશે.














