(Photo by Carl Court/Getty Images)

લંડનમાં ભારતીય વિદ્યાભવનના વાર્ષિક દિવાળી ફંડરેઇઝિંગ કાર્યક્રમમાં બ્રિટનના પ્રથમ ભારતીય મૂળના વડાપ્રધાન ઋષિ સુનકના પત્ની અક્ષતા મૂર્તિએ વારસા સાથે જોડાયેલા રહેવામાં ભારતીય વિદ્યા ભવને ભજવેલી મહત્વપૂર્ણ ભૂમિકાની પ્રશંસા કરી જણાવ્યું હતું કે ડાઉનિંગ સ્ટ્રીટમાં જીવન દરમિયાન પણ તેઓ પોતાના વારસાથી ક્યારેય દૂર ગયાં ન હતાં.

કાર્યક્રમમાં વિશેષ સંબોધનમાં અક્ષતા મૂર્તિએ 2020 અને 2024 દરમિયાન ચાન્સેલર અને તત્કાલીન વડાપ્રધાન તરીકે સુનકના કાર્યકાળ દરમિયાન વિશ્વના સૌથી પ્રખ્યાત બ્લેક ડોર પર દીવા પ્રગટાવવા અને રસોડામાં કુકિંગ રસમ વિધિની યાદ કરી હતી. આ કાર્યક્રમમાં તેમની સાથે તેમના પિતા, ઇન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિ અને સાસરિયા યશ અને ઉષા સુનક પણ હતાં.

અક્ષતા મૂર્તિએ કહ્યું હતું કે મને લાગે છે કે વ્યક્તિના આત્મવિશ્વાસની ખરી કસોટી એ છે કે શું આપણે બીજાઓ સામે સંપૂર્ણ આરામદાયક રીતે પોતાને વ્યક્ત કરી શકીએ છીએ છીએ કે નહીં. શું આપણે આપણી સંસ્કૃતિ પર ગર્વ અનુભવી શકીએ છીએ કે નહીં, શું આપણે ડર વગર તેનું પ્રદર્શન કરી શકીએ છીએ. મારા પતિ વડા પ્રધાન બન્યાં હતાં ત્યારે વિશ્વના સૌથી પ્રખ્યાત મંચ પૈકીના એક એવા 10 ડાઉનિંગ સ્ટ્રીટના રહેવાસીઓ તરીકે અમને આ કસોટીનો અનુભવ કરવાનો લહાવો મળ્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે ત્યાં, અમને આપણી પરંપરાઓ અને મૂલ્યોની ઉજવણી કરવાની તક મળી હતી. પહેલી વાર દરવાજા પર દીવા પ્રગટાવવાની બાબત હોય, નંબર 11 (યુકે ચાન્સેલરના નિવાસસ્થાન)ની બહાર રંગોળી બનાવવાની બાબત હોય કે નંબર 10 ફ્લેટમાં રસમ વિધિની બાબત હોય, અમે ક્યારેય આપણા વારસાથી દૂર રહ્યાં નથી, અમે ક્યારેય આપણા અસ્તિત્વથી દૂર રહ્યા નથી.

45 વર્ષીય અક્ષતાએ લંડનમાં ભવનની અવિરત હાજરીની પ્રશંસા કરી હતી, જે તેમની માતા સુધા મૂર્તિ દ્વારા સમર્થિત સંસ્થા છે, અને જ્યાં તેમણે તાજેતરમાં તેમની નાની પુત્રી અનુષ્કાને પ્રખ્યાત કલાકાર અરુણિમા કુમાર પાસેથી કુચીપુડી નૃત્ય શીખવા માટે મોકલી હતી.

ભવનના યોગદાનને યાદ કરીને તેમણે જણાવ્યું હતું કે વતનથી દૂર રહેતા આપણામાંથી ઘણા લોકો આપણા મૂળ, આપણી માતા, આપણા ઘર સાથેના ઊંડા જોડાણની ઝંખના રાખીએ છીએ. આવા તમામ લોકો માટે ભવન આપણા વારસા સાથે સેતુ બનાવે છે તથા કમ્ફર્ટ અને સંબંધનો સ્ત્રોત બની રહે છે.

પ્રખ્યાત સંસ્કૃત વિદ્વાન અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. એમ. એન. નંદકુમારના નેતૃત્વ હેઠળ લંડનમાં આવેલું ભવન ભારતીય કલા, સંગીત, નૃત્ય, યોગ અને ભાષાઓમાં શ્રેષ્ઠતા કેન્દ્ર તરીકે કાર્યરત છે, જે 23 વિવિધ વિષય ક્ષેત્રોમાં 120થી વધુ વર્ગો ઓફર કરે છે.

પશ્ચિમ લંડનમાં સેન્ટરના ચેરમેન સુભાનુ સક્સેનાએ પાકિંગના કડક નિયમો હળવા કરવાની રજૂઆતોનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે અમારી સ્થાનિક કાઉન્સિલે પાર્કિંગ પર નિયંત્રણો મૂક્યાં છે, જેના કારણે પાર્કિંગનો સમય ઘટી માત્ર એક કલાકનો થઈ ગયો છે. તેથી તે થોડો પડકારજનક છે અને અમે ઉકેલ શોધવા માટે કાઉન્સિલ સાથે કામ કરી રહ્યા છીએ.
યુકેમાં ભારતના હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ તેમના મુખ્ય અતિથિના સંબોધનમાં ભારત-યુકે જોડાણોને પ્રોત્સાહન આપવામાં ભવનની મહત્વપૂર્ણ ભૂમિકાની પ્રશંસા કરી હતી.

LEAVE A REPLY