પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ભારત સરકારે શુક્રવારે બ્રિટિશ કાળ સમયના  દાયકાઓ જૂના શ્રમ કાયદામાં ધરખમ ફેરફાર કરવા માટે ચાર શ્રમ સંહિતા (લેબર કોડ)ને શુક્રવારથી અમલી બનાવ્યા હતાં.સરકાર  નવા કાયદાથી કામદારો સંબંધિત નિયમો સરળ બનાવવા, કામદારોના રક્ષણમાં સુધારો કરવા અને રોકાણ માટે સ્થિતિને ઉદાર બનાવવા માંગે છે.જોકે 10 અગ્રણી ટ્રેડ યુનિયનોએ આ નવા કાયદાનો વિરોધ કરીને રાષ્ટ્રવ્યાપી હડતાલની ચીમકી આપી હતી.

આ નવા શ્રમ કાયદામાં તમામ શ્રમિકો માટે સમયસર લઘુત્તમ વેતન, ફ્રી વાર્ષિક હેલ્થચેક અપ અને સાર્વત્રિક સામાજિક સુરક્ષા જેવા શ્રમિકો તરફથી સંખ્યાબંધ જોગવાઈઓ છે. જોકે આની સાથે નોકરીના વધુ કલાકો, નિશ્ચિત મુદતની નોકરી, છટણીના હળવા નિયમો જેવી કંપની તરફી જોગવાઈઓ પણ છે. કંપનીઓ માટે કર્મચારીઓની છટણી કરવાનું પણ સરળ બનશે.

શ્રમિકોને લાભ થાય તેવા મુખ્ય સુધારામાં નોકરીની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કામદારોને ફરજિયાત નિમણૂક પત્રો, પીએફ, ઇએસઆઈસી અને વીમા લાભો સાથે ગિગ, પ્લેટફોર્મ, કોન્ટ્રાક્ટ અને પરપ્રાંતિય કામદારો સહિત તમામને સાર્વત્રિક સામાજિક સુરક્ષા કવરેજ. તમામ ક્ષેત્રોમાં કાયદાકીય લઘુત્તમ વેતન અને તેની સમયસર ચુકવણી, મહિલા શ્રમિકોને વિસ્તૃત અધિકારો અને સલામતી તથા 40 વર્ષ અને તેથી વધુ ઉંમરના શ્રમિકો માટે મફત વાર્ષિક આરોગ્ય તપાસનો સમાવેશ થાય છે.

નવી સંહિતામાં કારખાનું બંધ કરવા કે છટણી માટેના નિયમો હળવા કરાયા છે. હાલની જોગવાઈ મુજબ 100થી કે વધુ શ્રમિકો ધરાવતા યુનિટને બંધ કરવા માટે સરકારની ફરજિયાત મંજૂરી લેવી પડે છે, પરંતુ નવી સંહિતામાં આ મર્યાદા વધારીને 300 શ્રમિકો કરાઈ છે. તે ફેક્ટરીઓમાં કામના કલાકોને 9થી વધારીને 12 કલાક તથા દુકાનો અને સંસ્થાઓમાં 9થી વધારીને 10 કલાક સુધી કરાયા છે.

આ ચાર શ્રમ સંહિતામાં વેતન સંહિતા (2019), ઔદ્યોગિક સંબંધો સંહિતા (2020), સામાજિક સુરક્ષા સંહિતા (2020) અને વ્યવસાયિક સલામતી, આરોગ્ય અને કાર્યસ્થળની પરિસ્થિતિઓની સંહિતા (2020)નો સમાવેશ થાય છે. આ લેબર કોડને પાંચ વર્ષ પહેલા સંસદે બહાલી આપી હતી. હવે સરકારે તેને નોટિફાઈ કરીને અમલી બનાવ્યાં છે. આ લેબર કોડ હાલના અલગ અલગ 29 કાયદાનું સ્થાન લેશે. તેના નિયમો ટૂંકસમયમાં જારી કરાશે.

 

LEAVE A REPLY