
ઉત્તરી ઇથોપિયામાં રવિવારે, 23 નવેમ્બરે આશરે 12,000 વર્ષ પછી ફાટેલા ભયાનક જ્વાળામુખી પછી ૧૦૦-૧૨૦ કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો અને તેની રાખ ગુજરાત, દિલ્હી સહિતના ભારત સહિત ઘણા પ્રદેશોમાં ફેલાઈ હતી. રાખના વાદળોને કારણે એર ઇન્ડિયા સહિતની એરલાઇન્સે તેમની કેટલીક ફ્લાઇટ્સ રદ કરી હતી. મધ્ય પૂર્વ અને યુરોપના દેશોની ફ્લાઇટ કામગીરી પર અસર પડી હતી. પડોશી એશિયન દેશોની કેટલીક ફ્લાઇટ્સ પણ પ્રભાવિત થઈ હતી. આ જ્વાળામુખીની રાખ 4,000 કિલોમીટરનું લાંબુ અંતર માત્ર 24 કલાકમાં કાપીને ગુજરાતથી લઈને દિલ્હી સુધીની હવામાં ફેલાઈ ગઈ હતી. આ રહસ્યમય યાત્રા પાછળ ‘જેટ સ્ટ્રીમ’ નામનો શક્તિશાળી પવન પ્રવાહ જવાબદાર છે.
રવિવારે સવારે ઇથોપિયાના અફાર પ્રદેશમાં હેલી ગુબ્બી જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો અને રાખના વાદળો ગઈકાલે મોડી રાત્રે દિલ્હીમાં પ્રવેશ્યા હતાં. દિલ્હી પહેલાથી જ પ્રદૂષણની ઝેરી હવા સામે ઝઝૂમી રહ્યું છે, ત્યારે પ્રદૂષણમાં વધુ વધારો થયો હતો.
વાતાવરણમાં હજારો ફૂટ ઉપરથી નીકળેલી રાખ પહેલા ગુજરાતમાં પ્રવેશી હતી અને રાજસ્થાન, દિલ્હી, હરિયાણા અને પંજાબ તરફ ગઈ હતી. ભારતીય હવામાન વિભાગ (IMD)એ જણાવ્યું હતું કે રાખના વાદળો ચીન તરફ આગળ વધી રહ્યા છે અને સાંજે 7:30 વાગ્યા સુધીમાં ભારતીય આકાશમાંથી દૂર થઈ જશે.
ભારતના ઉડ્ડયન સંસ્થાએ એક એડવાઇઝરી જારી કરી હતી અને એરલાઇન્સને જ્વાળામુખીની રાખથી પ્રભાવિત વિસ્તારો ટાળવાની સલાહ આપી હતી. એડવાઇઝરીમાં ફ્લાઇટ પ્લાનિંગ, રૂટિંગ અને ઇંધણ વગેરે બાબતની પણ ખાસ ધ્યાન રાખવાની સલાહ અપાઈ હતી. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ એરલાઇન્સને એન્જિનની કામગીરીમાં વિસંગતતાઓ અથવા કેબિનમાં ધુમાડો/ગંધ સહિત કોઈપણ શંકાસ્પદ રાખના સંપર્કની તાત્કાલિક જાણ કરવા જણાવ્યું છે.
એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે કંપનીએ હેલી ગુબ્બી જ્વાળામુખી વિસ્ફોટ પછી ચોક્કસ ભૌગોલિક સ્થળોએ ઉડાન ભરનારા વિમાનની “સાવચેતી તપાસ” હાથ ધરી હોવાથી 11 ફ્લાઇટ્સ રદ કરી હતી.રદ કરાયેલી ફ્લાઇટ્સમાં નેવાર્કથી દિલ્હી, ન્યૂ યોર્કથી દિલ્હી, દુબઈથી હૈદરાબાદ, દોહાથી મુંબઈ, દુબઈથી ચેન્નાઈ, દમ્મામથી મુંબઈ, દોહાથી દિલ્હી, ચેન્નાઈથી મુંબઈ અને હૈદરાબાદથી દિલ્હીની ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે.
જ્વાળામુખીની રાખ આટલી ઝડપથી આટલું લાંબુ અંતર કેવી રીતે કાપી શકી, તેનો જવાબ પૃથ્વીના ઉપલા વાતાવરણમાં રહેલો છે. મિશિગન ટેકનોલોજીકલ યુનિવર્સિટીના જ્વાળામુખીશાસ્ત્રી સિમોન કાર્ને જણાવ્યું કે, રાખ લગભગ 130 કિમી/કલાકની ઝડપે પૂર્વ તરફ આગળ વધી રહી હતી. જ્યારે રાખ 14-25 કિલોમીટરની ઊંચાઈએ પહોંચે છે, ત્યારે તે જેટ પ્રવાહ નામના તીવ્ર પવનોમાં ફસાઈ જાય છે.












