ભારતના પ્રવાસે ગયેલી સાઉથ આફ્રિકાની ટીમ બે ટેસ્ટ મેચ પછી ત્રણ વન-ડે અને પાંચ ટી-20 મેચ પણ રમવાની છે. ભારતીય ક્રિકેટ બોર્ડના પસંદગીકારોએ ત્રણ વન-ડે માટેની ભારતીય ટીમની જાહેરાત કરી છે.
તેનું સુકાનીપદ કે. એલ. રાહુલને સોંપાયું છે. રેગ્યુલર સુકાની શુભમન ગિલ પ્રથમ ટેસ્ટ વખતે ઈજાગ્રસ્ત થયા પછી તે હજી ફિટ નહીં હોવાથી તેનો સમાવેશ નથી કરાયો, તો અગાઉ કરાયેલી જાહેરાત પછી ઉપસુકાની શ્રેયસ ઐયર પણ ફિટ નહીં હોવાથી તેનો સમાવેશ નથી કરાયો, તેના સ્થાને કોઈની પસંદગી નથી કરાઈ. પીઢ બેટર્સ રોહિત શર્મા અને વિરાટ કોહલીને તક અપાઈ છે, તો ફાસ્ટ બોલર મોહમદ શમીની હજી પણ અવગણના કરાઈ છે.
રોહિત શર્મા અને વિરાટ કોહલી લગભગ નવ મહિના પછી ભારતમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમશે. ત્રણ મેચની ODI સિરીઝ 30 નવેમ્બરથી શરૂ થવાની છે.
રાહુલ ત્રણેય ફોર્મેટમાં ભારતનું સુકાનીપદ સંભાળી ચૂક્યો છે. વન-ડેમાં તેની આગેવાની હેઠળ ભારતીય ટીમ 12 વન-ડે રમી ચૂકી છે અને તેમાંથી 8માં ટીમ વિજેતા રહી હતી, જ્યારે ચારમાં ભારતનો પરાજય થયો હતો.
ભારતીય ટીમઃ કે. એલ. રાહુલ (સુકાની), રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, તિલક વર્મા, ઋતુરાજ ગાયકવાડ, રીષભ પંત (વિકેટકીપર), નીતિશ રેડ્ડી, રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, અને કુલદીપ યાદવ.













