બાંગ્લાદેશની એક કોર્ટે સોમવાર, પહેલી ડિસેમ્બરે બ્રિટિશ સાંસદ અને ભૂતપૂર્વ પ્રધાન ટ્યૂલિપ સિદ્દીકને જમીનના પ્લોટની કથિત ગેરકાયદેસર ફાળવણી સાથે સંકળાયેલા ભ્રષ્ટાચારના કેસમાં તેમની ગેરહાજરીમાં બે વર્ષની જેલની સજા ફટકારી હતી.
સિદ્દીકના માસી અને બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને પણ તેમને ગેરહાજરીમાં પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. તેમની બહેન રેહાનાને સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.
શેખ હસીના સાથેના નાણાકીય સંબંધોની તપાસ બાદ જાન્યુઆરીમાં સિદ્દિકીએ પ્રધાન તરીકે રાજીનામું આપ્યો હતું. બાંગ્લાદેશની કોર્ટના ચુકાદા બાદ તેમણે જણાવ્યું હતું કે ટ્રાયલ પ્રક્રિયા ખામીયુક્ત અને હાસ્યાસ્પદ હતી.
ઓગસ્ટ 2024માં હિંસક આંદોલન પછી હસીના પડોશી દેશ ભારત ભાગી ગયા હતાં. ગયા મહિને વિરોધ પ્રદર્શનો દરમિયાન પ્રદર્શનકારીઓ પર તેમની સરકાર દ્વારા કરવામાં આવેલા હિંસક કાર્યવાહી બદલ તેમને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી.ગયા અઠવાડિયે, હસીનાને ભ્રષ્ટાચારના અન્ય કેસોમાં સંયુક્ત રીતે 21 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.
સિદ્દિકીએ જણાવ્યું હતું કે “આ કાંગારુ કોર્ટનું પરિણામ જેટલું અનુમાનિત છે તેટલું જ તે અન્યાયી પણ છે. મને આશા છે કે આ કહેવાતા ચુકાદાને તે લાયક છે તેવો તિરસ્કાર સાથે માનવામાં આવશે. તેમના લેબર પાર્ટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સિદ્દીકને આ કેસમાં ન્યાયી કાનૂની પ્રક્રિયાનો લાભ મળ્યો ન હતો અને તેમને તેમના પરના આરોપોની વિગતોની પણ જાણ કરાઈ ન હતી. કોઈપણ આરોપનો સામનો કરી રહેલા કોઈપણ વ્યક્તિને હંમેશા કાનૂની રજૂઆત કરવાનો અધિકાર મળવો જોઈએ. આ કેસમાં આવું બન્યું નથી તે જોતાં, અમે આ ચુકાદાને સ્વીકારી શકતા નથી.
બ્રિટનની બાંગ્લાદેશ સાથે કોઇ પ્રત્યાર્પણ સંધિ નથી.
જમીન કેસમાં ફરિયાદ પક્ષે જણાવ્યું હતું કે રાજધાની ઢાકામાં આશરે ૧૩,૬૧૦ ચોરસ ફૂટ (૧,૨૬૪ ચોરસ મીટર) જમીન રાજકીય પ્રભાવ અને વરિષ્ઠ અધિકારીઓ સાથેની મિલીભગત દ્વારા ગેરકાયદેસર રીતે ફાળવવામાં આવી હતી. શેખ હસીનાના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન, ત્રણ વગદાર આરોપીઓ સિદ્દીક, હસીના અને રેહાનાએ પ્લોટ મેળવવા માટે તેમના અધિકારનો દુરુપયોગ કર્યો હતો.
કોર્ટે ત્રણેયને 100,000 ટાકા ($820)નો દંડ પણ ફટકાર્યો છે. દંડ ન ભરવા પર વધારાની છ મહિનાની જેલ થશે.















