આ ફિલ્મ 2019ની દે દે પ્યાર દે ની સીક્વલ છે. જેમાં કોમેડી, લાગણી અને ભરપૂર મનોરંજન છે. આ ફિલ્મમાં અજય દેવગણ, રકુલ પ્રીત સિંહ અને આર. માધવન જેવા જાણીતા કલાકારો છે. આ ફિલ્મની કહાની મુજબ, જ્યારે કોઈ યુવતી તેના કરતા બમણી ઉંમરના પુરુષ સાથે લગ્ન કરવાનું નક્કી કરે છે, ત્યારે તેના પરિવારમાં રોષ વ્યાપે છે. ફિલ્મ 27 વર્ષીય આયેશા (રકુલ પ્રીત સિંહ)ની સાથે સંકળાયેલી છે, જે 52 વર્ષીય છૂટાછેડા લીધેલા NRI રોકાણકાર આશિષ મહેરા (અજય દેવગણ) ના પ્રેમમાં પડે છે, આયેશા તેની સાથે સંસાર શરૂ કરવા ઇચ્છે છે. હવે આ સંબંધ માટે તેના માતાપિતા અને પરિવારને કેવી રીતે મનાવવા એ તેના માટે મોટો પડકાર છે. આયેશા, આશિષને તેના પરિવાર સાથે મળાવવાનું નક્કી કરે છે. તે આ મુલાકાત માટે, તે તેની ભાભી કિટ્ટુ (ઈશિતા દત્તા)ની ડિલિવરીના સમયને પસંદ કરે છે, જેથી ખુશીના માહોલમાં તેના પિતા (આર. માધવન) અને માતા (ગૌતમી કપૂર) તેના સંબંધને સ્વીકારે.
આશિષની ઉંમર પણ આયેશાના માતા-પિતા જેટલી જ છે. તો શું આયેશાની લગ્નની ઇચ્છા પૂર્ણ થશે? શું આયેશાના માતાપિતા, જેઓ પોતાને પ્રગતિશીલ, શિક્ષિત અને આધુનિક વિચારધારા ધરાવે છે તેઓ તેમની જ ઉંમરના જ વ્યક્તિનો જમાઈ તરીકે સ્વીકાર કરશે? આ તમામ સવાલોના જવાબ જાણવા માટે આ ફિલ્મ જોવી રહી.
આ ફિલ્મના લેખક લવ રંજન છે, જ્યારે દિગ્દર્શન અંશુલ શર્માએ કર્યું છે. આ ફિલ્મમાં મીઝાન જાફરી અને જાવેદ જાફરીની પણ ભૂમિકા છે.













