અમેરિકા સ્થિત ટેકનોલોજી કંપની એપલે તેના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ડિવિઝનના વાઇસ પ્રેસિડન્ટ તરીકે ભારતીય મૂળના પીઢ રીસર્ચર અમર સુબ્રમણ્યને નિયુક્ત કરવાની સોમવારે જાહેરાત કરી હતી. તેઓ આ હોદ્દા પર જ્હોન ગિયાનાન્ડ્રિયાનું સ્થાન લેશે.
સેમસંગ જેવી હરીફ કંપનીઓની સરખામણીમાં એઆઇની રેસમાં પાછળ રહી ગયેલી એપલ હવે ધીમી ધીમે તેની પ્રોડક્ટ્સમાં એઆઇ ફીચર્સનો ઉમેરો કરી રહી છે ત્યારે આ નિયુક્તિનું વિશેષ મહત્તવ છે. સુબ્રમણ્યન એપલ ફાઉન્ડેશન મોડેલ્સ, એમએલ રિસર્ચ સહિતના મહત્વપૂર્ણ ક્ષેત્રોનું નેતૃત્વ કરશે અને સોફ્ટવેર ચીફ ક્રેગ ફેડેરીઘીને રિપોર્ટ કરશે.
તેઓ માઈક્રોસોફ્ટમાંથી એપલમાં જોડાઈ રહ્યાં છે. માઇક્રોસોફ્ટમાં તેમણે તાજેતરમાં AIના કોર્પોરેટ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સેવા આપી હતી. અગાઉ સુબ્રમણ્યને ગૂગલમાં 16 વર્ષ ગાળ્યાં હતાં, જ્યાં તેઓ અન્ય ભૂમિકાઓ ઉપરાંત જેમિની આસિસ્ટન્ટ માટે એન્જિનિયરિંગના વડા હતાં.
આ વર્ષની શરૂઆતમાં એપલે કહ્યું હતું કે તેના વોઇસ આસિસ્ટન્ટ સિરીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સુધારા 2026 સુધી મુલતવી રાખવામાં આવશે. એપલના સીઈઓ ટિમ કૂકનો AI વડા ગિયાનન્દ્રિયાની પ્રોડક્ટ ડેવલપમેન્ટનો અમલ કરવાની ક્ષમતા પરનો વિશ્વાસ ઘટી ગયો હોવાના અહેવાલો આવ્યાં છે. સુબ્રમણ્યને 2001માં બેંગ્લોર યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં સ્નાતક થયાં હતાં. તેઓ સોફ્ટવેર એન્જિનિયર તરીકે IBMમાં જોડાયા હતાં. ૨૦૦૫માં તેમણે વોશિંગ્ટન યુનિવર્સિટીમાંથી પીએચડીની ડિગ્રી મેળવી હતી.














