લંડન સ્થિત ફાઇનાન્શિયલ ટેકનોલોજી કંપની રિવોલૂટ સેકન્ડરી માર્કેટમાં શેર વેચાણના સોદા પછી યુરોપની સૌથી મૂલ્યવાન પ્રાઇટેક ટેકનોલોજી કંપની બની હતી. આ સોદામાં કંપનીનું વેલ્યૂએશન આશરે 75 બિલિયન ડોલર આંકવામાં આવ્યું હતું, જે બાર્કલેઝ કરતાં વધુ હતું. બાર્કલેઝનું માર્કેટકેપ આશરે £55.7 બિલિયન ($73 બિલિયન) છે. શેર વેચાણથી 10 વર્ષ જૂની આ કંપનીના કર્મચારીઓ પર પણ ધનવર્ષા થઈ હતી.
શેરવેચાણને પગલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની તેજી પાછળની અમેરિકાની ચિપમેકર કંપની એનવીડિયા તેના વેન્ચર કેપિટલ ડિવિઝન મારફત રિવોલૂટની શેરહોલ્ડર બની હતી. આ ઉપરાંત કોટ્યુ, ગ્રીનઓક્સ, ડ્રેગનિયર અને અમેરિકન એસેટ મેનેજમેન્ટ ફર્મ ફિડેલિટી હેઠળની સંસ્થાઓએ કંપનીના શેરની ખરીદી કરી હતી.
75 બિલિયન ડોલરનું આ વેલ્યુએશન ગયા વર્ષના ઓગસ્ટના 45 બિલિયન ડોલરના વેલ્યુએશન કરતાં મોટો વધારો દર્શાવે છે. આની સાથે વેલ્યુએશનના સંદર્ભમાં રિવોલૂટે બાર્કલેઝ, લોઇડ બેન્કિંગ ગ્રુપ અથવા નેટવેસ્ટ જેવી બ્રિટનની અગ્રણી ફાઇનાન્શિયલ કંપનીઓને પાછળ રાખી હતી.
કંપનીએ આની સાથે પાંચમી વખત કર્મચારીઓને શેરવેચાણની છૂટ આપી હતી, જેથી તેઓ વધતા વેલ્યૂએશનનો લાભ લઈ શકે છે. અહીં ઉલ્લેખનીય છે કે બ્રિટનમાં રિવોલૂટ તેની પોતાની બેંક શરૂ કરવા માટે સંઘર્ષ કરી રહી છે.
નિયમનકારી ચકાસણીને કારણે સંપૂર્ણ બેંકિંગ લાઇસન્સમાં વિલંબ થઈ રહ્યો છે. કંપનીમાં 10,000થી વધુ કર્મચારીઓ છે અને તેમાંથી હજારો કર્મચારીઓએ તાજેતરના સોદામાં શેર વેચ્યા હોવાનું માનવામાં આવે છે. જોકે તેમને તેમના હોલ્ડિંગના 20 ટકાથી વધુ હિસ્સો વેચવાની મંજૂરી નહોતી.
આ કંપનીની સ્થાપના એક દાયકા પહેલા કરન્સી કાર્ડ પ્રોવાઈડર તરીકે થઈ હતી. જોકે હાલમાં શેર અને ક્રિપ્ટો ટ્રેડિંગ તેમજ કેટલાંક યુરોપિયન દેશો, અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં લેન્ડિંગ બિઝનેસ પણ કરે છે.














