રાયપુરમાં બુધવારે દક્ષિણ આફ્રિકા સામેની બીજી વનડે મેચમાં ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ પોતાની સળંગ બીજી સદી ફટકારી હતી. રાંચીમાં શ્રેણીની પહેલી મેચમાં 135 રન બનાવનારા 37 વર્ષીય ખેલાડીએ ફક્ત 90 બોલમાં સદી કરી હતી. કોહલી મેચમાં કુલ 93 બોલમાં 102 રન ફટકાર્યા હતાં, જેમાં 7 ચોગ્ગા અને બે છગ્ગા સામેલ હતી. કોહલીની આ 53મી સદી હતી, જે વન-ડેમાં વધુ એક રેકોર્ડ છે.
બીજી વનડે મેચમાં દક્ષિણ આફ્રિકા સામે કોહલી ઉપરાંત રૂતુરાજ ગાયકવાડ (૧૦૫) અને કેએલ રાહુલના અણનમ ૬૬ રનની મદદથી ભારતે પાંચ વિકેટે ૩૫૮ રનનો જંગી સ્કોર બનાવ્યો હતો.
વિરાટની આ 84માં આંતરરાષ્ટ્રીય સદી પણ છે અને તેનાથી તે સચિન તેંડુલકરના સર્વકાલીન રેકોર્ડની નજીક પહોંચ્યો હતો.
તેંડુલકરે 2013માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી અને પોતાની કારકિર્દીનો અંત સુધામાં ટેસ્ટમાં 51 અને વન ડેમાં 49 સદી ફટકારી હતી. કોહલીએ વનડેમાં સતત બે સદી ફટકારી હોય તેવી આ 11મી ઘટના છે. 50 ઓવરના ફોર્મેટમાં અદભૂત સાતત્યતા દર્શાવીને કોહલીએ તેના ટીકાકારોને ચુપ કરી દીધા હતાં.














