
અમેરિકાએ 2019થી ભારતના આશરે 18,822 નાગરિકોનો દેશ નિકાલ કર્યો છે. જાન્યુઆરી 2025માં પ્રેસિડન્ટ ડોનાલ્ટ ટ્રમ્પ સત્તા પર આવ્યા પછી ભારતના 3,258 લોકોને ડિપોર્ટ કરાયા હતાં. 2023માં 617 અને 2024માં 1,368 ભારતીયોને ઘરભેગા કરાયાં હતાં. છેલ્લા 5 વર્ષમાં 62 ભારતીય વિદ્યાર્થીઓને અમેરિકામાં પ્રવેશ પણ નકારવામાં આવ્યો હતો, એવી રાજ્યસભામાં વિદેશ પ્રધાન એસ જયશંકરે ગુરુવાર, 4 ડિસેમ્બરે માહિતી આપી હતી.
રાજ્યસભામાં પૂરક પ્રશ્નોના જવાબ આપતા વિદેશ પ્રધાન એસ જયશંકરે જણાવ્યું હતું કે રાજ્ય સરકારો અને રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) પણ માનવ તસ્કરીના કેસોની તપાસ કરી છે, જેમાં પંજાબમાં સૌથી વધુ કેસ છે. NIA એ કેટલાક વર્ષો પહેલા માનવ તસ્કરી વિરોધી વિભાગની સ્થાપના કરી હતી. રાજ્ય સરકારોએ પણ માનવ તસ્કરીના કેસોની તપાસ શરૂ કરી છે. એનઆઈએએ માનવ તસ્કરીના 27 કેસ નોંધ્યા છે અને તપાસ કરી છે, જેના પરિણામે 169 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને 132 વ્યક્તિઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. એનઆઈએએ 7 ઓગસ્ટના રોજ હરિયાણા અને પંજાબમાં બે મહત્વપૂર્ણ તસ્કરોની ધરપકડ કરી હતી અને ત્યારબાદ હિમાચલ પ્રદેશમાં 2 ઓક્ટોબરના રોજ વધુ બે લોકોની ધરપકડ કરી હતી.
રાજ્યસભાામાં પૂરક પ્રશ્નોના જવાબ આપતા વિદેશ પ્રધાન એસ જયશંકરે જણાવ્યું હતું કે જાન્યુઆરી 2025થી કુલ 3,258 ભારતીય નાગરિકોને અમેરિકાએ ભારત પરત મોકલ્યાં હતાં. આમાંથી 2,032 વ્યક્તિઓ (આશરે 62.3 ટકા)ને રેગ્યુલર કોમર્શિયલ ફ્લાઇટ્સ દ્વારા મોકલવામાં આવ્યા હતાં, જ્યારે બાકીના 1,226 (37.6 ટકા) યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) અથવા યુએસ કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન (CBP) દ્વારા સંચાલિત ચાર્ટર ફ્લાઇટ્સ દ્વારા મોકલવામાં આવ્યાં હતાં.
જયશંકરે જણાવ્યું હતું કે યુએસ આઈસીઈ, સીબીપીની દેશનિકાલ કાર્યવાહી દરમિયાન દેશનિકાલ કરાયેલા લોકો સાથે માનવીય વર્તન સુનિશ્ચિત કરવા માટે વિદેશ મંત્રાલય અમેરિકાના સત્તાવાળા સાથે સતત સંપર્કમાં છે. મંત્રાલયે દેશનિકાલ કરતાં લોકો સાથેના વર્તન અંગે અંગે ખાસ કરીને મહિલાઓ અને બાળકો પર બેડીઓના ઉપયોગ અંગે યુ.એસ. અધિકારીઓ સમક્ષ પોતાની ચિંતાઓ વ્યક્ત કરી છે. 5 ફેબ્રુઆરીની દેશનિકાલ ફ્લાઇટ પછી મહિલાઓ અને બાળકોને બેડીઓ બાંધીને રાખવાનો કોઈ કિસ્સો વિદેશ મંત્રાલયના ધ્યાન પર આવ્યો નથી.રાજ્ય સરકારો અને રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ પણ માનવ તસ્કરીના કેસોની તપાસ કરી છે, જેમાં પંજાબમાં આવા સૌથી વધુ કેસ છે.












