ક્રુ સેફ્ટી અંગેના સરકારના વધુ આકરા નિયમોને કારણે ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો તેની અત્યાર સુધીની સૌથી મોટી સંચાલકીય કટોકટીમાં સપડાઈ છે. એરલાઇન્સે છેલ્લાં 3 દિવસોમાં સંખ્યાબંધ ફ્લાઇટ્સ રદ કરવી પડી છે અને તેનાથી એરપોર્ટ પર અરાજનકતા ફેલાઈ હતી. નવા નિયમોને કારણે કંપનીનું ક્રુ રોસ્ટર પ્લાનિંગ અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. કંપનીએ ગુરુવાર, 4 ડિસેમ્બરે રેકોર્ડ 550 ફ્લાઇટ્સ કેન્સલ કરી હતી.
ઇન્ડિગોએ ભારતના ઉડ્ડયન નિયમનકારને જણાવ્યું છે કે તેની કામગીરી 10 ફેબ્રુઆરી સુધીમાં સંપૂર્ણપણે પુનઃસ્થાપિત કરાશે. કંપનીએ નાઇટમાં પાઇલટ ડ્યુટી કલાકોને મર્યાદિત કરતી કેટલીક જોગવાઈઓમાંથી રાહત પણ માંગી છે.કંપનીએ આગામી દિવસોમાં વધુ ફ્લાઇટ્સ રદ થવાની શક્યતા પણ વ્યક્ત કરી છે. તે ભારતમાં ડેઇલી 23,00 ફ્લાઇટ્સ ઓપરેટ કરી છે.
1 નવેમ્બરથી નવા કડક ડ્યુટી-ટાઇમ નિયમો અમલમાં આવ્યા પછી ઇન્ડિગો પાયલટ્સ અને કેબિન ક્રૂની અછતનો સામનો કરી રહી છે. નવા નિયમોથી પાયલટ્સ ઉડાન ભરી શકે તેટલા કલાકોની સંખ્યામાં તીવ્ર ઘટાડો થયો અને ફરજિયાત આરામના સમયગાળામાં વધારો થયો છે.
ભારતીય એવિયેશન માર્કેટમાં 60 ટકાથી વધુ બજાર હિસ્સો ધરાવતી ઇન્ડિગોએ બુધવારે મુખ્ય શહેરોમાં ઓછામાં ઓછી 150 ફ્લાઇટ્સ રદ કરી હતીં. ગુરુવારે બેંગલુરુ એરપોર્ટ પર 73, દિલ્હીમાં લગભગ 30 અને હૈદરાબાદમાં 68 ફ્લાઇટ્સ રદ કરાઈ હતી.
એરલાઇને જણાવ્યું હતું કે ફ્લાઇટ્સ રદ થવા માટે ઘણા કારણો જવાબદાર છે. તેમાં પાઇલટના થાકને દૂર કરવા માટે ભારતના ઉડ્ડયન નિયમનકારે નિર્ધારિત કરેલી કડક ફ્લાઇટ ડ્યુટીની સમયમર્યાદાનો પણ સમાવેશ થાય છે. સરકારે નવા નિયમોમાં પાયલટ માટે આરામના સમયગાળામાં વધારો કર્યો છે અને નાઇટ ફ્લાઇટ્સ પર કેટલાંક નિયંત્રણો લાદ્યા છે. આ નિયમો પહેલી નવેમ્બરે લાગુ પડ્યા હતાં. ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલોટ્સે જણાવ્યું હતું કે ઇન્ડિગો સમયસર રોસ્ટર ગોઠવણો કરવામાં અને તેના સમયપત્રકનું યોગ્ય રીતે આયોજન કરવામાં નિષ્ફળ ગઈ છે. સમયના પાબંદ માટે ભારતમાં જાણીતી આ એરલાઇન માટે આ કટોકટી એક મોટો ફટકો છે.













