વોશિંગ્ટનનાં ડેમોક્રેટિક રીપ્રેઝન્ટેટિવ પ્રમિલા જયપાલે તાજેતરમાં અન્ય રીપ્રેઝન્ટેટિવ એડમ સ્મિથના સહયોગથી ડિગ્નિટી ફોર ડીટેન્ડ ઇમિગ્રન્ટ્સ એક્ટ બિલ રજૂ કર્યું હતું. આ એવો કાયદો છે જેમાં ઇમિગ્રેશન મુદ્દે થયેલી અટકાયત પર સુરક્ષા અને નિરીક્ષણ કરવા તેમ જ નાગરિક અને માનવાધિકારોનું રક્ષણ કરવાની જોગવાઇ છે. આ અંગે જયપાલે જણાવ્યું હતું કે, ‘ટ્રમ્પ તંત્ર દ્વારા અમે એવા નિર્દોષ લોકોની અટકાયતમાં ચોંકવનારો વધારો જોયો છે જેમણે કોઈ ગુનો કર્યો નથી અને તેમને અતિ ભયંકર પરિસ્થિતિઓમાં પૂરવામાં આવ્યા છે. આ લોકોને મોટાભાગે ખાનગી નફાકારક ડીટેન્શન સેન્ટર્સમાં ગંદકીમાં રાખવામાં આવ્યા છે. આ અટકાયત જેલ કંપનીઓની આવક વધારવા માટે કરવામાં આવી રહી છે, જે ડોનાલ્ડ ટ્રમ્પ અને રીપબ્લિકનને દાન આપે છે. જે રીતે ટ્રમ્પે કાયદાકીય વિકલ્પો બંધ કર્યા છે. જેના કારણે દસકાઓથી અહીં રહેતા લોકો માટે પણ આ દેશમાં આવવાનું કે રહેવાનું લગભગ અશક્ય બનાવી દીધું છે, આ સ્થિતિ હવે વધુને વધુ ખરાબ થશે. આપણે અમેરિકાનું સન્માન અને નાગરિક અધિકારોનું રક્ષણ કરવા માટે આ કાયદો પસાર કરવો જ જોઈએ.’
જ્યારે એડમ સ્મિથે જણાવ્યું હતું કે, ‘અમે ઇમિગ્રેશન અટકાયતીઓની ભયંકર ખરાબ સ્થિતિ અને મૂળભૂત માનવાધિકારોની સ્પષ્ટ અવગણના થતી જોઈ રહ્યા છીએ. આવા કોઇપણ વ્યક્તિને અતિ ભીડવાળા સેન્ટરમાં રાખવા જોઈએ નહીં. તેમને મેડિકલ સુવિધા આપવી જોઇએ, અથવા એવી જગ્યાએ ન રાખવા જોઇએ જ્યાં તેમના નામે ફાયદો લેવામાં આવી રહ્યો હોય. આ કાયદો તેમની સાથે અમાનવીય વ્યવહારનો અંત લાવવા અને તેમની સાથે સન્માનજનક વ્યવહાર કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે રજૂ કરવામાં આવ્યો છે.’
આ અંગે રીપ્રેઝન્ટેટિવ્ઝે જણાવ્યું હતું કે, પ્રેસિડેન્ટ ટ્રમ્પે ફરીથી સત્તા સંભાળી ત્યારથી, ઇમિગ્રેશન સંબંધિત અટકાયતોનો દર અભૂતપૂર્વ સ્તરે વધી ગયો છે, જે અંતર્ગત 66,000થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસના રીપ્રેઝન્ટેટિવના જણાવ્યા મુજબ, આ સમયગાળા દરમિયાન, ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE)ની કસ્ટડીમાં 23 લોકોના મોત થયા છે. જેમની અટકાયત કરવામાં આવી છે તેમાં 73 ટકા જેટલા લોકો કોઈ ગુનામાં દોષિત ઠર્યા નથી, અને જે અટકાયતીઓ દોષિત ઠર્યા છે તેમના પર ટ્રાફિકના ઉલ્લંઘન જેવા નાના-સામાન્ય ગુનાઓ જ નોંધાયા હતા. આ બિલને રો ખન્ના, રાજા કૃષ્ણમૂર્તિ અને શ્રી થાનેદાર જેવા ડેમોક્રેટ્સે સમર્થન આપ્યું છે.











