શાહરુખ ખાન-કાજોલ અભિનિત બોલીવૂડની સુપરહિટ ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ (DDLJ) ને રિલીઝ થયાના આ વર્ષે 30 વર્ષ પૂરા થયા હતા. આ નિમિત્તે શાહરુખ ખાન અને કાજોલે લંડન લેસ્ટર સ્ક્વેર ખાતે તેમની કાંસ્ય પ્રતિમાનું ગત સપ્તાહે અનાવરણ કર્યું હતું. ફિલ્મના જાણીતા પોઝમાં બનાવેલી પ્રતિમામાં બંનેને તેમના પાત્રો રાજ અને સિમરન તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ અનાવરણ દરમિયાન બંનેએ સાથે ફોટા પણ ક્લિક કરાવ્યા હતા. શાહરુખે બ્લેક સૂટ અને કાજોલ વાદળી સાડી પહેરી હતી. દિલવાલે…એવી પ્રથમ ભારતીય ફિલ્મ છે જેને સીન્સ ઇન ધ સ્ક્વેર ટ્રેલમાં સ્થાન મળ્યું છે. આ ફિલ્મનું દિગ્દર્શન આદિત્ય ચોપરા દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ ભારતની સૌથી લાંબી ચાલતી ફિલ્મ છે, જે હજુ પણ મુંબઈના મરાઠા મંદિર સિનેમામાં પ્રદર્શિત થઇ રહી છે.













