ભારત અને અમેરિકા પ્રથમ તબક્કાના દ્વિપક્ષીય વેપાર કરાર માટે 10 ડિસેમ્બરથી ત્રણ દિવસની વાટાઘાટો ચાલુ કરશે. અમેરિકાના ડેપ્યુટી ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR) રિક સ્વિટ્ઝરની આગેવાની હેઠળનું એક પ્રતિનિધિમંડળ ભારત આવશે.
સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલમાં જણાવાયું હતું કે ત્રણ દિવસીય વાટાઘાટો 10 ડિસેમ્બરથી શરૂ થશે. તે 12 ડિસેમ્બરે સમાપ્ત થશે, અને તે વાટાઘાટોનો ઔપચારિક રાઉન્ડ નથી.
રશિયન ક્રૂડ ઓઇલની ખરીદીને કારણે અમેરિકન બજારમાં પ્રવેશતા ભારતીય માલ પર 25 ટકા ટેરિફ અને 25 ટકા વધારાનો દંડ લાદવામાં આવ્યા પછી અમેરિકી અધિકારીઓની આ બીજી ભારત મુલાકાત છે.૧૬ સપ્ટેમ્બરના રોજ, અમેરિકી અધિકારીઓએ છેલ્લે ભારતની મુલાકાત લીધી હતી.
22 સપ્ટેમ્બરના રોજ, વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલના વડપણ હેઠળનું ભારતનું પ્રતિનિધિમંડળ અમેરિકા ગયું હતું. ગોયલ મે મહિનામાં પણ વોશિંગ્ટનની મુલાકાતે ગયા હતા.
બંને દેશો વચ્ચે વેપાર કરાર માટેની મંત્રણાની આગેવાની અમેરિકા તરફથી તેના દક્ષિણ અને મધ્ય એશિયા માટેના સહાયક વેપાર પ્રતિનિધિ બ્રેન્ડન લિંચ કરી રહ્યાં છે. ભારતીય પક્ષનું નેતૃત્વ વાણિજ્ય વિભાગમાં સંયુક્ત સચિવ દર્પણ જૈન કરી રહ્યા છે. વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે તાજેતરમાં જણાવ્યું છે કે ભારત આ વર્ષે જ યુએસ સાથે એક ફ્રેમવર્ક વેપાર સોદો થવાની આશા રાખે છે, જે ભારતીય નિકાસકારોના ફાયદા માટે ટેરિફ મુદ્દાને સંબોધશે.













