અમદાવાદ
બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ (BAPS) સંસ્થાના પ્રમુખ સ્વામી મહારાજને સંસ્થાના પ્રમુખ તરીકેની પદવી મળ્યાનાં 75 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે રવિવાર, 7 ડિસેમ્બરે ભવ્ય પ્રમુખ વરણી અમૃત મહોત્સવ યોજાયો હતો. (@Bhupendrapbjp/X via PTI Photo)

બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ (BAPS) સંસ્થાના પ્રમુખ સ્વામી મહારાજને સંસ્થાના પ્રમુખ તરીકેની પદવી મળ્યાનાં 75 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે રવિવાર, 7 ડિસેમ્બરે ભવ્ય પ્રમુખ વરણી અમૃત મહોત્સવ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પૂજ્ય મહંત સ્વામી મહારાજ, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, સંતો મહંતો સહિત દેશ વિદેશના 50,000થી વધુ હરિભક્તો ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના નિસ્વાર્થ સેવાકાર્યોને શ્રેણીબદ્ધ પ્રસ્તુતીઓ દ્વારા યાદ કરાયા હતાં.

કાર્યક્રમની પૂર્ણાહૂતિ સમયે પૂજ્ય મહંત સ્વામી મહારાજ, મહાનુભાવો અને લગભગ 50,000 હરિભક્તોએ સાથે મળીને આરતી કરી ત્યારે અલૌકિક માહોલ રચાયો હતો. કાર્યક્રમના સમાપન દરમિયાન ભવ્ય આતશબાજી પણ કરાઈ હતી. આ કાર્યક્રમમાં સંબોધન દરમિયાન અમિત શાહે કહ્યું હતું કે આંબલીવાળી પોળ સમગ્ર વિશ્વ માટે મુલાકાત માટેનું અવિસ્મરણીય સ્થાન બનશે.

સાંજે 5-30 થી 8-30 દરમિયાન યોજાયેલા આ મહોત્સવમાં 75 ડેકોરેટિવ હોડીઓ પર પ્રમુખ સ્વામીજીના જીવન કવનની ઝાંખી અને 75 સૂત્રો રજૂ કરાયા હતાં. આ સમયના દૃશ્યો નિહાળવાનો લ્હાવો અલોકિક બની રહ્યો હતો.
અગાઉ BAPS સંસ્થાના અક્ષરવત્સલ સ્વામીએ જાણાવ્યું કે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના માનવ સેવામાં સમર્પિત અસંખ્ય કલ્યાણકારી યશસ્વી કાર્યોને વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા તેમના જન્મદિને ભાવાંજલિ આપવામાં આવશે.

આજે વિશ્વના ખૂણેખૂણે જે નામ ગુંજી રહ્યું છે તે ‘પ્રમુખસ્વામી મહારાજ’ નામની ભેટ 1950માં વિશ્વને આંબલીવાળી પોળમાંથી પ્રાપ્ત થઈ હતી. BAPSના સ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે વિક્રમ સંવત 2006 (મે 21, 1950)ના જેઠ સુદ 4ના દિવસે રવિવારે આંબલીવાળી પોળમાં આવેલા નાના મંદિરમાં સાંજે 5 વાગ્યે પોતાની સાધુતા અને પવિત્ર પ્રતિભાથી સત્સંગીઓના પ્રીતિપાત્ર, સંતોના આદરપાત્ર અને ગુરુશાસ્ત્રીજી મહારાજના કૃપાપાત્ર બનેલા નવયુવાન સંતશાસ્ત્રી નારાયણસ્વરૂપદાસજીને સંસ્થાની વ્યવસ્થાપક કમિટીના સભ્યોની ઉપસ્થિતિમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના આજીવન અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતાં. દેશ-વિદેશના લાખો ભક્તો-ભાવિકો માટે જીવંત પ્રસારણનું પણ કરાયું હતું. અમૃતમહોત્સવને કારણે સાબરમતી રિવરફ્રન્ટ પર ખાસ વ્યવસ્થા કરાઈ હતી.

LEAVE A REPLY