ભારતીય ક્રિકેટ ટીમને હવે આ વર્ષમાં ફક્ત ઘરઆંગણે ટી-20ની સીરીઝમાં પાંચ મેચ રમવાની બાકી છે, ટીમનો ટેસ્ટ મેચ અને વન-ડે ઈન્ટરનેશનલ્સનો કાર્યક્રમ પુરો થઈ ગયો છે. ટેસ્ટ અને વન-ડે ઈન્ટરનેશનલ્સમાં ભારતીય ટીમના નવા નિમાયેલા સુકાની શુભમન ગિલ સુકાનીપદ દીપાવી 2025માં તમામ ફોર્મેટ્સ – ટેસ્ટ, વન-ડે અને ટી-20માં ભારતનો ટોપ સ્કોરર રહ્યો છે, તો તમામ ફોર્મેટમાં કુલદીપ યાદવ ભારતીય ટીમ માટે સૌથી વધુ વિકેટ લઈ ટોપ બોલર રહ્યો છે.
જો કે, હજી સા. આફ્રિકા સામેની પાંચ મેચની ટી-20 સીરીઝમાં બન્ને રમવાના છે, પણ તે અગાઉ જ આ પોઝિશન છે.
અલગ અલગ રીતે દરેક ફોર્મેટના દેખાવ જોઈએ તો ટેસ્ટ ક્રિકેટમાં શુભમન ગિલ, વન-ડે ઈન્ટરનેશનલ્સમાં વિરાટ કોહલી અને ટી-20માં અભિષેક શર્મા ટોપ સ્કોરર રહ્યા હતા. બોલિંગ મોરચે ટેસ્ટ ક્રિકેટમાં મોહમદ સિરાજ, વન-ડે ઈન્ટરનેશનલ્સમાં હર્ષિત રાણા અને ટી-20માં વરૂણ ચક્રવર્તી ટોપ બોલર્સ રહ્યા છે.
શુભમન ગિલે ટેસ્ટ ક્રિકેટમાં 8 મેચની 16 ઈનિંગમાં 983 રન કર્યા છે, જેમાં પાંચ સદી અને એક અડધી સદીનો સમાવેશ થાય છે. ઈંગ્લેન્ડના પ્રવાસમાં તો ટેસ્ટ સીરીઝમાં સુકાનીપદની તેની પહેલી સીરીઝમાં જ ગિલ પ્લેયર ઓફ ધી સીરીઝ પણ રહ્યો હતો. તેના પછી કે. એલ. રાહુલ, રવિન્દ્ર જાડેજા, યશસ્વી જયસ્વાલ અને ઋષભ પંત અનુક્રમે બીજા, ત્રીજા ચોથા અને પાંચમા ક્રમના સ્કોરર્સ રહ્યા છે.
તો ટેસ્ટ ક્રિકેટમાં મોહમદ સિરાઝે 10 મેચમાં 43 વિકેટ લીધી હતી. તેના પછી જસપ્રીત બુમરાહે 8 ટેસ્ટમાં 31, રવિન્દ્ર જાડેજાએ 10 ટેસ્ટમાં 25, કુલદીપ યાદવે ફક્ત ચાર ટેસ્ટમાં 20 અને પ્રસિદ્ધ ક્રિષ્નાએ પણ ચાર ટેસ્ટમાં 20 વિકેટ લીધી હતી.
વન-ડે ઈન્ટરનેશનલ્સમાં વિરાટ કોહલીએ 13 મેચમાં 3 સદી અને 4 અડધી સદી સાથે 651 રન કર્યા હતા, તો બીજા ક્રમે રહેલા રોહિત શર્માએ 14 મેચમાં 2 સદી અને 4 અડદી સદી સાથે 650 રન કર્યા હતા. શ્રેયસ ઐયર, શુભમન ગિલ અને કે. એલ. રાહુલ અનુક્રમે ત્રીજા, ચોથા અને પાંચમાં ક્રમે રહ્યા હતા.
વન-ડે ઈન્ટરનેશનલ્સમાં હર્ષિત રાણાએ 11 મેચમાં 20 વિકેટ લીધી હતી, તો કુલદીપ યાદવે 11 મેચમાં 19 શિકાર ઝડપ્યા હતા. રવિન્દ્ર જાડેજા, મોહમદ શમી અને અક્ષર પટેલ અનુક્રમે ત્રીજા, ચોથા અને પાંચમા ક્રમે રહ્યા હતા.
ટી-20 ઈન્ટરનેશનલ્સમાં વરૂણ ચક્રવર્તીએ 16 મેચમાં 26 અને કુલદીપ યાદવે 9 મેચમાં 19 વિકેટ લીધી હતી. તે પછી
અક્ષર પટેલ, અર્શદીપ સિંહ અને જસપ્રીત બુમરાહ અનુક્રમે ત્રીજા, ચોથા અને પાંચમાં ક્રમે રહ્યા હતા.
હવે બાકીની ટી-20 મેચમાં અભિષેક શર્મા માટે તો તેનો નં. 1 ક્રમ જાળવવા સામે ખાસ કોઈ પડકાર નથી, કારણ કે તેના પછી નં. 2 રહેલા તિલક વર્મા અને તેની વચ્ચે હાલમાં પણ 376 રનનું અંતર છે. બોલિંગ મોરચે પણ કુલદીપ યાદવ 7 વિકેટ દૂર હોઈ વરૂણ ચક્રવર્તી તેનો નં. 1 ક્રમ જાળવી શકે તેવી સંભાવના છે.













