ગુજરાતમાં અત્યારે ફિલ્મ ચાહકોમાં નવી ફિલ્મ ગુજરાતી ફિલ્મ ‘લાલો-કૃષ્ણ સદા સહાયતે’ ખૂબ જ ચર્ચા છે, જે રૂ. 100 કરોડનો બિઝનેસ કરનારી પ્રથમ ફિલ્મ બની છે. આ ફિલ્મ દ્વારા પ્રથમવાર જ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરનાર દિગ્દર્શક અંકિત સખિયાની આ ફિલ્મ હવે વિદેશોમાં પણ સફળતના નવા શિખર સર કરી રહી છે.
અમેરિક, કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા સહિત ખાડી દેશોમાં પણ દુબઇ, ઓમાન, અબુ ધાબી, કતાર અને બહરીનમાં પણ હિટ થઇ છે. આ ફિલ્મને રિલીઝ થયા એને બે મહિના જેટલો સમય થયો છતાં પણ તેને દર્શકોનો અભુતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે.
અમદાવાદમાં તો આ ફિલ્મના લગભગ બધા શો ફુલ જઈ રહ્યા છે, સાથે જ રાજકોટ, સુરત, ગાંધીનગર અને નાના શહેરોમાં પણ આ ફિલ્મ સફળતાથી ચાલી રહી છે. સાથે જ રાજ્યભરના જ થિએટર માલિકો આ ફિલ્મને સૌથી વધુ નફો કરાવનાર ફિલ્મ ગણાવી રહ્યા છે, આ ફિલ્મને નિર્માણ ખર્ચ કરતાં 15 હજાર ટકા વધારે નફો થયો છે.
આ ફિલ્મને વડોદરાની સેન્ટ્રલ જેલમાં 1800 કેદીઓ માટે ખાસ દર્શાવવામાં આવી હતી. જ્યાં તેમના માનસ પર ફિલ્મની ઘણી ઉંડી અસર થઈ હતી. ફિલ્મની ટીમ દ્વારા અધિકૃત રીતે જાહેર કરવામાં આવ્યું છે કે ફિલ્મે બિઝનેસમાં 100 કરોડનો આંકડો પાર કર્યો છે.













