અમેરિકાએ દેશના લોકોનું રક્ષણ કરવા કરવા અને જાહેર સલામતીના ધોરણોને લાગુ કરવાના સઘન પ્રયાસના ભાગરૂપે આ વર્ષે તમામ કેટેગરીમાં 85,000 વિઝા રદ કર્યા હતાં, એમ વિદેશ વિભાગના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
એક પ્રશ્નના જવાબમાં અધિકારીએ જણાવ્યું હતું કે અમે તમામ કેટેગરીના 85,000 વિઝા રદ કર્યા છે, જેમાં 8,000થી વધુ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે, જે ગયા વર્ષની સંખ્યા કરતા બમણાથી વધુ છે. વિઝા રદ કરવા પાછળના કેટલાક મુખ્ય કારણોમાં DUI, હુમલા અને ચોરીનો સમાવેશ થાય છે. આ એવા લોકો છે જે આપણા સમુદાયોની સલામતી માટે સીધો ખતરો છે અને અમે તેમને આપણા દેશમાં રાખવા માંગતા નથી.
નામ જાહેર ન કરવાની શરતે અધિકારીએ જણાવ્યું હતું કે વહીવટીતંત્રનો વિઝા-સમીક્ષાનો અભિગમ કડક છે. સુરક્ષા તપાસમાં ઉતાવળ કરવામાં આવશે નહીં. અમે જેટલો સમય લાગશે તેટલો સમય લઈશું, અને જ્યાં સુધી અમને ખાતરી ન થાય કે અરજદાર અમેરિકનોની સલામતી અને સુરક્ષા માટે ખતરો નથી ત્યાં સુધી અમે વિઝા આપીશું નહીં.













