ભારતના સૌથી મોટો તહેવાર દિવાળીનો બુધવાર, 19 ડિસેમ્બરે યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ યાદીમાં સમાવેશ કરાયો હતો. આ ઐતિહાસિક નિર્ણય દિલ્હી સ્થિત લાલ કિલ્લામાં આયોજિત યુનેસ્કોની બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ પ્રતિષ્ઠિત દરજ્જો મળતાની સાથે ઉજવણી ચાલુ થઈ ગઈ હતી.
દીપોના પર્વનો યુનેસ્કોની પ્રતિષ્ઠિત યાદીમાં સમાવેશ કરવાની જાહેરાત થતાની સાથે ‘જય હિન્દ’, ‘વંદે માતરમ્’ અને ‘ભારત માતા કી જય’ ના નારાઓ સાથે ઉજવણી ચાલુ થઈ હતી. મુખ્ય સ્ટેજની સામે વિવિધ પરંપરાગત પોશાક પહેરેલા કલાકારોએ પર્ફોર્મન્સ આપ્યું હતું, જ્યારે મોટા પડદા પર દીપાવલી ઉત્સવની છબીઓ દર્શાવવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુનેસ્કોની અમૂર્ત વારસાની યાદીમાં દીપાવલીના સમાવેશને આવકારતા કહ્યું કે હતું કે તેનાથી તહેવારની વૈશ્વિક લોકપ્રિયતામાં વધારો થશે. ભારત અને વિશ્વભરના લોકો ખૂબ જ ઉત્સાહિત છે. હું આશા રાખું છું કે પ્રભુ શ્રીરામના આદર્શો હંમેશા આપણું માર્ગદર્શન કરતા રહેશે
અમૂર્ત સાંસ્કૃતિક વારસાના રક્ષણ માટેની આંતર-સરકારી સમિતિ (ICH)ના 20મા સત્ર દરમિયાન આ જાહેરાત થયા પછી તરત જ કેન્દ્રીય સંસ્કૃતિ પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવતે દેશ વતી નિવેદન આપ્યું હતું.
માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ યાદીમાં સામેલ થયેલો આ ભારતની 16મી વિરાસત છે. અગાઉ કુંભ મેળો, કોલકાતાની દુર્ગા પૂજા, ગુજરાતનો ગરબા, યોગ, વૈદિક મંત્રોચ્ચારની પરંપરા અને રામલીલાનો આ યાદીમાં સમાવેશ કરાયો હતો. ભારતે 2023માં 2024-25 માટે દીપાવલી નોમિનેશન ડોઝિયર યુનેસ્કોને મોકલ્યું હતું.













