
અમેરિકાના નાણાપ્રધાન સ્કોટ બેસેન્ટે શુક્રવારે સંકેત આપ્યો હતો કે રશિયન ક્રૂડ ઓઇલની ભારતીય ખરીદીમાં તીવ્ર ઘટાડો થયા પછી ભારત પર લાદવામાં આવેલા વધારાના 25 ટકા ટેરિફને દૂર કરવામાં આવી શકે છે.
તેમણે જણાવ્યું હતું કે અમે રશિયન તેલ ખરીદવા માટે ભારત પર 25 ટકા ટેરિફ લાદ્યો હતો, અને ભારતીય રિફાઇનરીઓ દ્વારા રશિયન તેલની ખરીદી ઘટી ગઈ છે. તે અમેરિકાની ટેરિફ નીતિની એક સફળતા છે. ટેરિફ હજુ પણ ચાલુ છે.આ ટેરિફને દૂર કરવાનો કોઈ રસ્તો છે, તેથી તે એક ચેક અને મોટી સફળતા છે.
અગાઉ બેસેન્ટે દાવો કર્યો હતો કે રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી બદલ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે વધારાની 25 ટકા ટેરિફ લાદ્યા પછી ભારતે મોસ્કો પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી બંધ કરી દીધી છે.
દાવોસમાં ફોક્સ બિઝનેસ સાથે વાતચીત કરતાં બેસેન્ટે જણાવ્યું હતું કે યુક્રેન સંઘર્ષ ચાલુ થયા પછી ભારતે રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી ચાલુ કરી હતી, પરંતું પ્રેસિડન્ટ ટ્રમ્પે તેમના પર 25 ટકા ટેરિફ લાદી છે. તેથી ભારતે ખરીદી ઘટાડો કરીને હવે તેને બંધ કરી દીધી છે.
યુરોપ પર રશિયન તેલ ખરીદવાનો આક્ષેપ કરતાં બેસેન્ટે જણાવ્યું હતું કે યુદ્ધના ચાર વર્ષ પછી પણ યુરોપના દેશો રશિયન તેલની ખરીદી કરી રહ્યાં છે અને પોતાની સામેના યુદ્ધને ફાઇનાન્સ કરી રહ્યાં છે.












