
ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ના વિકાસ માટે ઇકોમર્સ જાયન્ટ એમેઝોને 2030 સુધીમાં 35 અબજ બિલિયન (રૂ.3.14 લાખ કરોડ) અને માઇક્રોસોફ્ટે 17.5 અબજ ડોલર (આશરે રૂ.1.58 લાખ કરોડ)ના મેગા રોકાણની યોજનાઓની ગયા સપ્તાહે જાહેરાત કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત પછી માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાએ ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) માટેના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સાર્વભૌમ ક્ષમતાઓનું નિર્માણમાં કરવા માટે 17.5 અબજ ડોલર (આશરે રૂ.1.58 લાખ કરોડ)ના જંગી રોકાણની યોજનાની મંગળવારે જાહેરાત કરી હતી.
બીજી તરફ એમેઝોન સંભવ સમિટ દરમિયાન સિનિયર વીપી ઇમર્જિંગ માર્કેટ્સ, અમિત અગ્રવાલે ભારતમાં રોકાણની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે કંપનીએ ભારતમાંથી નિકાસને અત્યાર સુધીમાં લગભગ 20 અબજ ડોલરથી વધારીને 80 અબજ ડોલર કરવાનું લક્ષ્ય રાખ્યું છે અને 2030 સુધીમાં વધારાની 10 લાખ પ્રત્યક્ષ, પરોક્ષ, પ્રેરિત અને મોસમી નોકરીઓનું સર્જન કરવાનું લક્ષ્ય રાખ્યું છે.
માઇક્રોસોફ્ટે આ વર્ષની શરૂઆતમાં ભારતમાં 3 અબજ ડોલર (રૂ.26,955 કરોડ)ના રોકાણની જાહેરાત કરી હતી. નડેલાએ એક્સ પર જણાવ્યું હતું કે માઇક્રોસોફ્ટ AI માટે જરૂરી માળખાગત સુવિધાઓ, કુશળતા અને સાર્વભૌમ ક્ષમતાઓના નિર્માણમાં મદદ કરવા માટે 17.5 અબજ ડોલરના રોકાણની પ્રતિબદ્ધતા આપે છે. એશિયાના કોઇપણ દેશમાં અત્યાર સુધીનું આ અમારું સૌથી મોટું રોકાણ છે.
મોદી અને નડેલાએ તેમની મુલાકાતમાં દેશના AI રોડમેપ અને વૃદ્ધિ પ્રાથમિકતાઓ પર ચર્ચાવિચારણા કરી હતી. અગાઉ 14 ઓક્ટોબરે ગૂગલે ભારતમાં એઆઇ હબની સ્થાપના માટે આગામી પાંચ વર્ષમાં 15 અબજ ડોલરના રોકાણની યોજના જાહેર કરી હતી. આ યોજનામાં અદાણી ગ્રુપ સાથેની ભાગીદારીમાં દેશોના સૌથી મોટા ડેટા સેન્ટરનો પણ સમાવેશ થાય છે. આ પછી બ્રુકફિલ્ડ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને યુએસ સ્થિત ડિજિટલ રિયલ્ટી વચ્ચેના સંયુક્ત સાહસ ડિજિટલ કનેક્શને 11 અબજ ડોલરના રોકાણ યોજનાની જાહેરાત કરી હતી.











