ટ્રમ્પ

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી હતી કે જો કેનેડા ચીન સાથેના વેપાર કરાર પર આગળ વધશે તો તેઓ કેનેડાથી આયાત થતી વસ્તુઓ પર 100 ટકા ટેરિફ લાદશે. ટ્રુથ સોશિયલ પોસ્ટમાં ટ્રમ્પે કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીની આકરી ટીકા કરતાં જણાવ્યું હતું કે જો તેઓ ચીની પ્રોડક્ટ્સને અમેરિકામાં મોકલવા માટે કેનેડાને “ડ્રોપ ઓફ પોર્ટ” બનાવશે, તો તેઓ ગંભીર ભૂલ કરી રહ્યાં છે.

ટ્રમ્પે જણાવ્યું હતું કે જો કેનેડા ચીન સાથે કોઈ સોદો કરશે તો તરત જ અમેરિકામાં આવતા તમામ કેનેડિયન માલ અને પ્રોડક્ટ્સ પર 100% ટેરિફ લાદવામાં આવશે. ચીન કેનેડાને જીવતું ખાઈ જશે, તેને સંપૂર્ણપણે ખાઈ જશે, જેમાં તેમના વ્યવસાયો, સામાજિક માળખા અને સામાન્ય જીવનશૈલીનો વિનાશનો થશે. કેનેડાએ “નવી વ્યૂહાત્મક ભાગીદારી” હેઠળ ચીન સાથે “સીમાચિહ્નરૂપ કરાર” પર સંમત થઈને અમેરિકા પરની તેની નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ કર્યો છે.

અગાઉ ઘણા વર્ષોના તણાવપૂર્ણ સંબંધો પછી કેનેડા અને ચીને એકબીજાની પ્રોડક્ટ્સ પરની ટેરિફમાં ઘટાડો કરવા માટે પ્રારંભિક વેપાર સમજૂતી કરી છે. ચીનના વડા શી જિનપિંગ અને કેનેડાના પીએમ માર્ક કાર્નીએ બેઇજિંગમાં એક મહત્વપૂર્ણ બેઠક પછી તેમના દેશોના સંબંધોમાં પુનઃનિર્માણનો સંકેત આપતા નીચી ટેરિફની જાહેરાત કરી હતી. આ ડીલના ભાગરૂપે ચીન 1 માર્ચ સુધીમાં કેનેડા કેનોલા ઓઇલ પરની ટેરિફને 85%થી ઘટાડીને 15% કરશે, જ્યારે કેનેડા ચીનના ઇલેટ્રિકલ વ્હિકલ પરની ટેરિફને ઘટાડી 6.1 ટકા કરશે. શીએ સંબંધોમાં આ પરિવર્તનની પ્રશંસા કરી હતી.
આ ડીલથી અમેરિકાના પડોશી દેશ કેનેડામાં ચીનના રોકાણમાં પણ મોટો વધારો થવાની ધારણા છે. ટ્રમ્પની ટેરિફને કારણે કેનેડાએ ચીન સાથે ડીલ કરી હોવાનો પણ કાર્નીએ આડકતરો ઇશારો કર્યો હતો.

LEAVE A REPLY