અમેરિકામાં પાંચ રાજ્યોમાં વૃદ્ધો સહિત 11 લોકો સાથે છેતરપિંડી કરવા બદલ 38 વર્ષીય ભારતીય નાગરિકને 90 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. ન્યાયાધીશે 2 મિલિયન ડોલરથી વધુ વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો, એમ ન્યાય વિભાગે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું.
કોર્ટે લિગ્નેશકુમાર એચ. પટેલને વાયર ફ્રોડ અને નાણા સંસ્થા છેતરપિંડીના કાવતરાના એક ગુના અને વાયર છેતરપિંડીના બે ગુનામાં દોષી ઠેરવ્યા હતાં. કોર્ટના દસ્તાવેજો અનુસાર પટેલે પાંચ રાજ્યોમાં ઓછામાં ઓછા ૧૧ વૃદ્ધ પીડિતોના ઘરે જઇને તેમની કુલ ૨,૨૩૧,૨૧૬.૯૯ ડોલરની સંપત્તિ ચોરી લીધી હતી. પટેલે એક મોટા કાવતરામાં ભૂમિકા ભજવી હતી. આ ફ્રોડમાં ઓછામાં ઓછા બીજા 85 પીડિતો સાથે છેતરપિંડી થઈ હતી. જેમાં ૬.૯ મિલિયન ડોલરથી વધુનું નુકસાન થવાનો અંદાજ હતો.
નિવેદનમાં જણાવાયું છે કે પટેલે કુરિયર અથવા “મની મ્યુલ” તરીકે કામ કર્યું હતું અને ઇલિનોઇસ, મિઝોરી, આયોવા, મિશિગન અને વિસ્કોન્સિનમાં પીડિતો પાસેથી પૈસા અને સોનાની ડિલિવરી લીધી હતી.












