મુંબઈ
ભારતની ત્રણ દિવસની ટુર દરમિયાન ફૂટબોલ સ્ટાર લિનોનેસ મેસ્સીને દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં આઇસીસીના ચેરમેન જય શાહે દિગ્ગજ ક્રિકેટરોના ઓટોગ્રાફવાળું બેટ ભેટમાં આપ્યું હતું. અહીં મેસ્સી બાળકો સાથે ફૂટબોલ પણ રમ્યો હતો. REUTERS/Adnan Abidi

ફૂટબોલના જાદૂગર લિયોનેલ મેસ્સીના ભારતના ત્રણ દિવસના પ્રવાસની શરૂઆત રવિવાર, 13 ડિસેમ્બરે તોડફોડ અને ધમાલ સાથે થઈ હતી. ‘જીઓએટી ટુર ટુ ઈન્ડિયા 2025’ના ભાગરૂપે હૈદરાબાદ, મુંબઈ અને દિલ્હીમાં તેની ઇવેન્ટ્સમાં ચાહકોને મંત્રમુગ્ધ કર્યાં હતાં. કોલકાતામાં મેસ્સીએ બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન સાથે વિવેકાનંદ યુવા ભારતી ક્રિડાંગણ ખાતે તેની 70 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.

કોલકાતાના કાર્યક્રમમાં રૂ.10,000 સુધીની ટિકિટ ખરીદ્યા પછી પણ આશરે 50,000 ચાહકોને તેની એક ઝલક પણ જોવા ન મળતાં ચાહકો રોષે ભરાયાં હતાં અને સોલ્ટ લેક સ્ટેડિયમમાં ભારે તોડફોડ કરી હતી. કોલકાતા પોલીસે ઈવેન્ટના આયોજકની ધરપકડ કરીને ચાહકોને ટિકિટના પૈસા પાછા આપવાની જાહેરાત કરી હતી.

કોલકાતાના ફિયાસ્કા પછી તે હૈદરાબાદ પહોંચ્યો હતો. હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં મેસીનો કાર્યક્રમ સુપરહીટ રહ્યો હતો. મેસ્સી લગભગ એક કલાક સુધી સ્ટેડિયમમાં રહ્યો હતો. ફ્રેન્ડલી ફૂટબોલ મેચ રમ્યો હતો અને આ મેચમાં ભાગ લેનારા ખેલાડીઓને ટ્રોફી પણ આપી હતી. મેસ્સીએ મેચના અંતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને આર્જેન્ટિનાની ફૂટબોલ જર્સી ભેટમાં આપી હતી.

બીજા દિવસે આર્જેન્ટિનાના ફૂટબોલ સુપરસ્ટારે મુંબઈના પ્રતિષ્ઠિત વાનખેડે સ્ટેડિયમમાં ચાહકોને ખુશ કર્યા હતાં. મેસ્સીએ વાનખેડેમાં બરાબર એક કલાક વિતાવ્યો હતો, જેમાં તેમણે યુવા ફૂટબોલ ખેલાડીઓ, ક્રિકેટ આઇકોન સચિન તેંડુલકર, ભારતીય ફૂટબોલ દિગ્ગજ સુનીલ છેત્રી તેમજ મનોરંજન જગતની હસ્તીઓ સાથે વાતચીત કરી હતી.

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ‘પ્રોજેક્ટ મહાદેવા’ના લોન્ચની પણ જાહેરાત કરી, જેનો ઉદ્દેશ્ય રાજ્યભરના યુવા ફૂટબોલ ખેલાડીઓને તૈયાર કરવાનો છે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ખીચોખીચ ભરેલા સ્ટેડિયમમાં લોકોએ “મેસ્સી… મેસ્સી”ના નારા લગાવ્યાં હતાં. મેસ્સીએ વાનખેડેમાં ક્યારેય ન ભૂલી શકાય તેવી સહેલગાહનો આનંદ માણ્યો હતો. તેંડુલકરે પોતાના હસ્તાક્ષરવાળી ભારતની મર્યાદિત ઓવરોની જર્સી ભેટમાં આપી હતી જેના પર 10 નંબર હતો, જ્યારે આર્જેન્ટિનાના ખેલાડીએ બેટિંગ લેજેન્ડને ફૂટબોલ ભેટમાં આપ્યો હતો.

ત્રીજા દિવસે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં મેસીએ ચાહકોનું અભિવાદન કર્યું હતું તથા રોડ્રિગો ડી પોલ અને લુઇસ સુઆરેઝ સાથે ફૂટબોલ રમ્યો હતો. ICCના અધ્યક્ષ જય શાહે T20 વર્લ્ડ કપ માટે આમંત્રણ ટિકિટ અને ભારતીય ક્રિકેટ ટીમની જર્સી ભેટમાં આપી હતી. જય શાહે મેસ્સીને દિગ્ગજ ક્રિકેટરોના ઓટોગ્રાફવાળું બેટ પણ ભેટમાં આપ્યું હતું. અહીં મેસ્સી બાળકો સાથે ફૂટબોલ પણ રમ્યો હતો.

LEAVE A REPLY