નેપાળના પ્રધાનમંડળે રૂ. 200 તથા રૂ. 500 જેવા ઉંચા દરની ભારતીય ચલણી નોટો ઉપરનો પ્રતિબંધ હટાવી લેવાનો નિર્ણય લીધો છે. સરકારના એક પ્રવકત્તાએ ન્યૂઝ એજન્સી સમક્ષ આ વાતનું સમર્થન કર્યું હતું.
નેપાળ સરકારના પ્રવકત્તા અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી તથા કોમ્યુનિકેશન્સ ખાતાના પ્રધાન જગદિશ ખારેલે જણાવ્યું હતું કે સોમવારે (15 ડિસેમ્બર) મળેલી કેબિનેટની બેઠકમાં રૂ. 200 અને રૂ. 500 ના દરની ભારતીય ચલણી નોટોની આયાત અને નિકાસને મંજુરીનો નિર્ણય લેવાયો હતો. જો કે, સામાન્ય નાગરિકો માટે એકબીજા દેશમાં અવરજવર વેળાએ લઈ જવા તેમજ પાસે રાખવા માટે રૂ. 25,000 ની કુલ રકમની મર્યાદા યથાવત રખાઈ છે.
આ પ્રતિબંધ હટાવી લેવાયા પછી હવે 9 નવેમ્બર, 2016 પછી જારી કરાયેલી ઉંચા દરની ભારતીય ચલણી નોટોનો સામાન્ય લેવડ-દેવડમાં ઉપયોગ થઈ શકશે.
2016માં દિવાળી પછી ભારતે ઉંચા દરની ચલણી નોટોની નોટબંધી ફરમાવી તે પછી નેપાળમાં ઉંચા દરની ભારતીય ચલણી નોટોના ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવાયો હતો. એ પછી, ભારતીય રીઝર્વ બેન્કે તાજેતરમાં ઉંચા દરની ભારતીય ચલણી નોટોની નેપાળમાં નિકાસ અને આયાતને મંજુરી આપ્યા પછી નેપાળે આ નિર્ણય લીધો હતો.














