ભારતે બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ભારતીય વિઝા અરજી કેન્દ્ર (IVAC)ને સુરક્ષા કારણોસર બુધવાર, 17 ડિસેમ્બરે બંધ કર્યું હતું. ઢાકામાં જમુના ફ્યુચર પાર્ક ખાતે આવેલ IVAC રાજધાનીમાં તમામ ભારતીય વિઝા સેવાઓ માટેનું મુખ્ય અને સંકલિત કેન્દ્ર હતું. ભારતે બાંગ્લાદેશનના રાજદૂતને સમન્સ કરીને સુરક્ષા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.
સેન્ટરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને અમે આજે બપોરે બે વાગ્યે IVAC JFP ઢાકા બંધ કરીશું. નિર્ધારિત એપોઇન્ટમેન્ટ સ્લોટ ધરાવતા તમામ અરજદારોને નવી તારીખ આપવામાં આવશે.
અગાઉ નવી દિલ્હીમાં, વિદેશ મંત્રાલય (MEA)એ બાંગ્લાદેશના રાજદૂત રિયાઝ હમીદુલ્લાહને સમન્સ કર્યા હતા અને ઢાકામાં ભારતીય મિશનની આસપાસ સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કેટલાંક કટ્ટરવાદી તત્વોએ મિશન તરફ એક વિરોધ માર્ચ કાઢવાની યોજના જાહેર કર્યા પછી ભારતે આ કાર્યવાહી કરી હતી. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે “અમે અપેક્ષા રાખીએ છીએ કે વચગાળાની સરકાર તેની રાજદ્વારી જવાબદારીઓને ધ્યાનમાં રાખીને બાંગ્લાદેશમાં ભારતીય મિશન અને પોસ્ટ્સની સુરક્ષા સુનિશ્ચિત કરશે.”
નવી દિલ્હીએ બાંગ્લાદેશમાં બગડતી સુરક્ષા પરિસ્થિતિ પર પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી અને મુક્ત, ન્યાયી અને વિશ્વસનીય સંસદીય ચૂંટણીઓ યોજવા માટે હાકલ કરી હતી. બાંગ્લાદેશમાં ચૂંટણી 12 ફેબ્રુઆરીએ યોજાવાની છે.
ત્રણ દિવસ પહેલા બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે ઢાકામાં ભારતીય રાજદૂત પ્રણય વર્માને બોલાવ્યા હતાં અને ભારતીય ભૂમિ પરથી ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના “ઉશ્કેરણીજનક” નિવેદનો પર પોતાની ચિંતા વ્યક્ત કરી હતી.














