પ્રતિકાત્મક તસવીર (istockphoto)

પાકિસ્તાન સરકારે પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સમાં તેનો સંપૂર્ણ 100 ટકા હિસ્સો વેચવાનો નિર્ણય કર્યો છે. બિડરોએ ખાનગીકરણ પછી કોઈ સરકારી ભૂમિકા વિના સંપૂર્ણ મેનેજમેન્ટ અંકુશની માગણી કર્યા પછી સરકારે આખે આખી એરલાઇન વેચવાનો નિર્ણય કર્યો હતો, એમ સ્થાનિક મીડિયાએ બુધવાર, 17 ડિસેમ્બરે જણાવ્યું હતું.
લકી સિમેન્ટ કન્સોર્ટિયમ, આરિફ હબીબ કન્સોર્ટિયમ, ફૌજી ફાઉન્ડેશનની માલિકીની ફૌજી ફર્ટિલાઇઝર અને એર બ્લૂ જેવા બિઝનેસ ગ્રુપ PIAને ખરીદવાની સ્પર્ધામાં છે.

પાકિસ્તાનની ખોટ કરતી આ નેશનલ એરલાઇન માટે 23 ડિસેમ્બરે બિડિંગ પ્રોસેસ ચાલુ થશે. શરુઆતમાં કંપનીના 75 ટકા શેરનું વેચાણ કરાશે. આ પછી વિજેતા બિડરને 12 ટકા પ્રીમિયમ પર બોલી લગાવ્યા પછી એક મહિનાની અંદર બાકીના 25 ટકા શેર ખરીદવાનો વિકલ્પ અપાશે. 12 ટકા વધારાનો ભાવ માંગવા પાછળનું કારણ એ છે કે ખરીદદારને એક વર્ષ પછી પેમેન્ટ કરવાની છૂટ મળશે.

ખાનગીકરણ કમિશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે ફેડરલ સરકાર 100 ટકા શેર વેચી રહી છે કારણ કે ચારેય બિડરો ઇચ્છતાં હતા કે સોદા પછી સરકારની PIAમાં કોઈ ભૂમિકા ન રહે.

અગાઉ વડાપ્રધાન શાહબાઝ શરીફે ફક્ત 60 ટકા હિસ્સો વેચવાની યોજનાનો સંકેત આપ્યો હતો, પરંતુ 2024માં ખરીદદારોને આકર્ષવામાં નિષ્ફળ ગયું હતું. આકર્ષણ વધારવા માટે, સરકારે PIAના દેવાના 654 બિલિયન પાકિસ્તાની રૂપિયા એક હોલ્ડિંગ કંપનીમાં અલગ કર્યું છે. PIA પાસે હવે 30 બિલિયન રૂપિયાની પોઝિટિવ ઇક્વિટી છે.
પીઆઈએ પાસે ૩૪ વિમાનો છે, જેમાંથી ફક્ત ૧૮ ઉડાન લાયક છે, પરંતુ ૯૭ દેશો સાથે મૂલ્યવાન લેન્ડિંગ સ્લોટ અને હવાઈ સેવા કરારો ધરાવે છે, જે તેને બોલી લગાવનારાઓ માટે એક મુખ્ય એસેટ બનાવે છે.

LEAVE A REPLY