(DPR PMO/ANI Photo)

એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171એ 12 જૂનના રોજ ઉડાન ભર્યા પછી ક્રેશ થયાના છ મહિના બાદ પણ, આ કરૂણ દુર્ઘટનાએ અમદાવાદ શહેર, ભારત અને વિદેશમાં સેંકડો પરિવારો પર લાંબી, પીડાદાયક છાયા છોડી છે. 12 જૂને જેમણે પોતાના કુલ 260 પ્રિયજનો ગુમાવ્યા હતા, તેમના માટે આ છ માસનો સમય પણ ઘા રૂઝવી શક્યો નથી. તપાસ અને આખરી વળતર અંગેના ઘણાં પ્રશ્નોના સ્પષ્ટ જવાબો હજુ સુધી મળ્યા નથી.

સ્થાનિક રહેવાસીઓ માટે, યાદ ઝાંખી પડવાનું નામ લેતી નથી તો પ્લેન ક્રેશની વાતો આખા શહેરમાં ગુંજે છે. આજે પણ વિમાન હવામાં ઉપરથી ગર્જના કરતું પસાર થાય છે ત્યારે લોકો ભય સાથે સહજ રીતે ઉપર જુએ છે. પરિવારો શોકમાં છે અને ક્રેશનું કારણ શું છે તે અંગે આજે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. ઘણાં લોકો પાસે હવે તપાસને અનુસરવાની તાકાત નથી.

ચાર ભાઈ-બહેનોમાં સૌથી નાનો આકાશ તેની માતા સીતાબેનને બપોરનું ભોજન પહોંચાડવા માટે હોસ્ટેલ નજીક આવેલા પરિવારના ચાના સ્ટોલ પર ગયો હતો. પરંતુ થોડીવાર પછી, લંડન ગેટવિક જતું વિમાન ક્રેશ થયું હતું  જેમાં 242 લોકોમાંથી 241 લોકો માર્યા ગયા હતા અને હોસ્ટેલ બિલ્ડીંગ અને અજાબાજુ રહેતા અન્ય 19 લોકો મરણ પામ્યા હતા.

એરપોર્ટ નજીક લક્ષ્મીનગર વસાહતમાં રહેતા અને ચા વેચી ગુજરાન ચલાવતા સુરેશભાઈ પટણી કહે છે કે “આ દુર્ઘટનાને માત્ર છ મહિના થયા છે, પરંતુ અમારા માટે તે છ વર્ષ જેવા લાગે છે. મારો 14 વર્ષનો પુત્ર આકાશ મેઘાણીનગરમાં બીજે મેડિકલ કોલેજ હોસ્ટેલ સંકુલમાં વિમાન ક્રેશ થતા મૃત્યુ પામ્યો હતો. પણ અમે જે ગુમાવ્યું છે તે કંઈ પાછું લાવી શકતું નથી. અકસ્માત સ્થળની આટલી નજીક જીવનનો સામનો કરવામાં અસમર્થ અમે સૌ હવે અમદાવાદ છોડીને પાટણ જવા માંગીએ છીએ. મને કંઈ સમજાતું નથી. અમે પૈસાનું શું કરીશું? અમે અમારો પુત્ર ગુમાવ્યો છે.”

બનાવમાં આકાશની માતા સીતાબેન ગંભીર રીતે દાઝી ગયા હતા પરંતુ તેઓ બચી ગયા હતા. પોતાના આંસુ રોકવા માટે સંઘર્ષ કરતા સીતાબેન કહે છે કે “મેં મારા બાળકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે ઇજાઓને કારણે મૃત્યુ પામ્યો હતો. દર વખતે જ્યારે પણ વિમાન ઉપરથી પસાર થાય છે, ત્યારે મને હવે નફરત થાય છે. પણ મારું બાળક ત્યાં નથી.”

સીતાબેન ઘરની અંદરની શાંતિ સહન નહિં કરી શકવાને કારણે મોટાભાગની રાતો ઘરની બહાર વિતાવે છે અને નજીકના પાર્કિંગ વિસ્તારમાં જૂના પલંગ પર પડ્યા રહે છે. પરિવારે તેમનો ચાનો સ્ટોલ ચલાવવાનું બંધ કરી દીધું છે.

એર ઇન્ડિયા અને ટાટા ગ્રુપ દ્વારા ચૂકવેલ વળતર પીડિતોના પરિવારને નોંધપાત્ર રીતે નાણાકીય સહાયરૂપ બન્યું છે. કેટલાક દેવા ચૂકવી દીધા છે અને એક વર્ષ પછી પરંપરાગત ધાર્મિક વિધિઓ માટે આંશિક રીતે રકમ અલગ રાખવામાં આવી છે.

ઘટના સ્થળથી માંડ 50 મીટર દૂર જનરલ સ્ટોર ચલાવતા મહેન્દ્રસિંહ જાડેજા હજુ પણ તે બપોરના ભયને યાદ કરતા કહે છે કે “મારા જીવનના બધા વર્ષોમાં, મેં આવું કંઈ જોયું નથી. જ્યારે મેં ક્રેશનો અવાજ સાંભળ્યો, ત્યારે અમે બધા ગભરાઈ ગયા.”

સ્થળથી લગભગ 200 મીટર દૂર રહેતા અન્ય રહેવાસી, મનુભાઈ રાજપૂત કહે છે કે ‘’પ્લેન ક્રેશની છબી મારા મનમાં કાયમ માટે કોતરાઈ ગઈ છે. વિમાન અસામાન્ય રીતે નીચે ઉડી રહ્યું હતું. પછી ગાઢ કાળો ધુમાડો અને બહેરાશ આવી જાય તેવા ધડાકા સાથે પ્લેન ક્રેશ થયું હતું.

અકસ્માતમાં ભાઈ, ભાભી, ભત્રીજા અને ભત્રીજી ગુમાવનાર બાદશાહ સૈયદ કહે છે કે “વળતર ગૌણ છે. મુખ્ય વાત એ છે કે ગુનેગાર કોણ છે? જવાબદાર કોણ છે? શું તે મેઇન્ટેનન્સની ખામી હતી, ટેકનિકલ ખામી હતી કે બીજું કંઈક? આ બન્યું ન હોવું જોઈએ.”

ભારતના એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ ગયા જુલાઈમાં એક પ્રારંભિક અહેવાલ બહાર પાડ્યો હતો, જેમાં ખુલાસો થયો હતો કે ટેકઓફ પછી તરત જ બંને એન્જિનનો પેટ્રોલનો પુરવઠો લગભગ એકસાથે બંધ કરી દેવામાં આવ્યો હતો. કોકપીટ વૉઇસ રેકોર્ડિંગ્સમાં એક પાઇલટ બીજાને પૂછતા પણ સંભળાયા હતા કે ‘’પેટ્રોલ કેમ બંધ કરવામાં આવ્યું છે?’’ જેનો જવાબ મળ્યો હતો કે ‘’મેં આવું કર્યું નથી.’’

થોડીવાર પછી, પેટ્રોલનો પ્રવાહ ફરી ચાલુ કરવામાં આવ્યો હતો. અહેવાલમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે એન્જિન નિષ્ફળતાના કિસ્સામાં વિમાનને પાવર પૂરો પાડવા માટે બનાવાયેલ સહાયક પાવર યુનિટ આપમેળે કાર્યરત થઈ ગયું હતું. 10 સેકન્ડથી ઓછા સમય પછી, પેટ્રોલનો પૂરવઠો આપતી બંને સ્વીચો “ચાલુ” સ્થિતિમાં પાછી ફરી હતી. પરંતુ પ્લેનને હવામાં ઉડાવવામાં સફળતા ન મળતા ‘મે ડે કોલ’ કરવામાં આવ્યો હતો અને ગણતરી પળોમાં વિમાન ક્રેશ થયું હતું.

15 પાનાના તપાસ દસ્તાવેજમાં એ ઉલ્લેખ નથી કે શું ફ્યુઅલ સ્વીચો બંધ કરવાનું કારણ પાઇલટની ચાલાકી હોઈ શકે છે, અથવા તે કોઈ પ્રકારની ખામીને કારણે હોઈ શકે છે. જો કે તપાસ અહેવાલમાં દોષારોપણ કરવાનું બંધ કરવામાં આવ્યું હતું પણ  વિવાદ અને અટકળોને વેગ મળ્યો હતો. પાઇલટના સંગઠનોએ તારણોની ટીકા કરી દલીલ કરી છે કે તે પૂરતા પુરાવા વિના માનવ ભૂલ સૂચવવામાં આવે છે.

પીડિતોના પરિવારો, વકીલો અને ઉડ્ડયન નિષ્ણાતોએ આદેશ આપ્યા વગર પેટ્રોલની સ્વીચ બંધ કરવા અંગે અને ઇલેક્ટ્રિકલ સમસ્યાઓ સહિત સંભવિત ટેકનીકલ અથવા ડિઝાઇનની ખામીઓની ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ કરી છે. તો કેટલાક પરિવારોએ ભારત અને વિદેશમાં ફરિયાદો નોંધાવવા સહિત કાનૂની કાર્યવાહી કરી છે.

એર ઇન્ડિયાએ દરેક મૃતકના પરિવારને ઝડપથી $28,000 ની સમકક્ષ રકમ ચૂકવી દીધી છે અને  એરલાઇનના માલિક, ટાટા ગ્રુપે, બીજા $112,000 ઉમેરવાનું વચન આપ્યું છે.

એર ઇન્ડિયાએ અંતિમ વળતર ચુકવણીમાં થયેલા વિલંબને સ્વીકાર્યો છે પરંતુ તેઓ કહે છે કે તપાસ અને વળતરની પ્રક્રિયા હજુ ચાલુ છે અને અસરગ્રસ્ત પરિવારોને ટેકો આપવો તેમની પહેલી પ્રાથમિકતા છે. એરલાઇને એ પણ જાળવી રાખ્યું છે કે પ્રારંભિક તારણો વિમાન કે એન્જિનમાં કોઈ ખામી દર્શાવે છે – આ દૃષ્ટિકોણ ઘણા સ્વતંત્ર નિષ્ણાતો દ્વારા વિવાદિત છે.

દરમિયાન, સિવિલ હોસ્પિટલ અમદાવાદના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ‘’રાજ્ય સરકારે હજુ સુધી ક્ષતિગ્રસ્ત સ્થળનું શું કરવું તે નક્કી કર્યું નથી. હાલમાં, તપાસ ચાલી રહી છે અને આ સ્થળ પર લોકો માટે સખત પ્રતિબંધ છે.’’

અક્સમાતમાં ફક્ત એક જ મુસાફર બચી ગયો હતો. મૃતકોમાં 200 ભારતીય, 52 બ્રિટિશ નાગરિકો, સાત પોર્ટુગીઝ અને એક કેનેડિયન હતા. છ મહિના પછી પણ તપાસકર્તાઓ હજુ સુધી સ્પષ્ટ જવાબો આપી શક્યા નથી, જેના કારણે પાઇલટ્સ, એરલાઇન અને વિમાન ઉત્પાદક બોઇંગ વચ્ચે વિવાદો વધ્યા છે.

આ દુર્ઘટનાના ભયાનક સ્મારક સમાન બીજે મેડિકલ કોલેજ હોસ્ટેલ સંકુલ સમય જતાં જાણે કે થીજી ગયું છે. સળગેલી દિવાલો, બળી ગયેલા વૃક્ષો, સળગેલી કાર અને મોટરસાયકલ, ક્ષતિગ્રસ્ત પલંગ, કાળા પુસ્તકો અને કપડાં અને વિકૃત અવશેષો સ્થળ પર પથરાયેલા છે. અતુલ્યમ-4 હોસ્ટેલ બિલ્ડિંગ અને બાજુમાં આવેલી કેન્ટીન સ્ટેન્ડ ત્યજી દેવાયેલા છે તો પ્રવેશ પર કડક પ્રતિબંધો સાથે સંકુલને સીલ કરવામાં આવ્યું છે.

છ મહિના પછી, અમદાવાદ એક પીડાદાયક બેવડી વાસ્તવિકતા સાથે જીવે છે: શહેર આગળ વધી રહ્યું છે પરંતુ જાણે કે સમય સ્થિર છે. શોકગ્રસ્ત પરિવારો માટે, સળગી ગયેલી ઇમારતો અને અનુત્તરિત પ્રશ્નો જૂનની બપોરની સતત યાદ અપાવે છે જેણે તેમના જીવનને કાયમ માટે બદલી નાખ્યું – અને એક દુર્ઘટના જેનું સંપૂર્ણ સત્ય હજુ પણ અગમ્ય છે.

વિવાદો અને નિવેદનો વચ્ચે પ્લેન ક્રેશ તપાસ અહેવાલની ભારે ટીકા

તપાસ અહેવાલ પ્રકાશિત થતાંની સાથે જ તેની ભારે ટીકા થઈ હતી અને પાઇલટ સંગઠનોનો દાવો છે કે કેપ્ટન અને તેના સહ-પાઇલટ વચ્ચેનો સંવાદ, જેનો અહેવાલ ફક્ત અર્થઘટન કરે છે, તે પુરાવા આપ્યા વિના માનવ ભૂલની શક્યતા સૂચવે છે.

પીડિતોના પરિવારો, એક તરફ વકીલો અને પાઇલટ્સ, અને બીજી તરફ એરલાઇન અને ઉત્પાદક બોઇંગ વચ્ચે શબ્દ યુદ્ધ શરૂ થયું છે. તો પાઇલટ સુમિત સભરવાલના પિતા પુષ્કરાજ સભરવાલ આ કેસને પ્રારંભિક તપાસ “ખૂબ જ ખામીયુક્ત” હતી એમ કહી સુપ્રીમ કોર્ટમાં લઈ ગયા છે.

તેમની અરજીમાં દલીલ કરી હતી કે “અહેવાલ મુખ્યત્વે મૃત પાઇલટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેઓ હવે પોતાનો બચાવ કરી શકતા નથી, જ્યારે ક્રેશના અન્ય વધુ સંભવિત ટેકનીકલ અને પ્રક્રિયાગત કારણોની તપાસ કરવામાં અથવા તેને દૂર કરવામાં નિષ્ફળ જાય છે.”

લગભગ 50 પીડિતોના પરિવારોનું પ્રતિનિધિત્વ કરતા બ્રિટિશ વકીલ સારાહ સ્ટુઅર્ટ પણ પાઇલટ્સને સંડોવતા ન હોય તેવા દૃશ્યની તરફેણ કરે છે.

તેમણે કહ્યું હતું કે “તથ્યપૂર્ણ માહિતી એક ચિંતાજનક ભય પેદા કરે છે કે આ અકસ્માત પેટ્રોલ કાપવાને કારણે થયો હોઈ શકે છે, જે બોઇંગ સિસ્ટમમાં સંભવિત નિષ્ફળતા સૂચવે છે.”

બીજી તરફ એર ઇન્ડિયાના CEO કેમ્પબેલ વિલ્સને 10 સપ્ટેમ્બરના રોજ એક ભાષણમાં જણાવ્યું હતું કે “પ્રારંભિક અહેવાલ જણાવે છે કે વિમાનમાં કંઈ ખોટું નથી, એન્જિનમાં કંઈ ખોટું નથી, એરલાઇનના સંચાલનમાં કંઈ ખોટું નથી”.

જોકે, કેટલાક નિષ્ણાતો આ અંગે શંકા કરે છે. સેફ્ટી મેટર્સ ફાઉન્ડેશનના સ્થાપક, ભૂતપૂર્વ કોમર્શિયલ પાઇલટ અમિત સિંહે જણાવ્યું હતું કે, “આ વિમાનમાં ક્રેશ પહેલા ઇલેક્ટ્રિકલ ખામીઓ નોંધાઈ હતી. રિપોર્ટ જોતા લોકોને લાગે કે પાઇલટ્સ જવાબદાર છે.”

એવિએશન નિષ્ણાત માર્ક માર્ટિન તેનાથી પણ આગળ વધી તેને “ચતુરાઈપૂર્વક રચાયેલ કવર-અપ” કહે છે. બોઇંગે 737 MAX ક્રેશ પછી બરાબર એ જ કર્યું હતું અને પાઇલટ્સને દોષી ઠેરવ્યા હતા. બોઇંગને ક્રેશ માટે દોષ લેવાનું પોસાય તેમ નથી.”

AFP દ્વારા સંપર્ક કરવામાં આવતા, યુએસ એરક્રાફ્ટ ઉત્પાદક બોઇંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

 

LEAVE A REPLY