એશિઝ સીરિઝની એડિલેડમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે 82 રનથી વિજય મેળવીને ઓસ્ટ્રેલિયાએ રવિવાર, 21 ડિસેમ્બરે એશિઝ સિરિઝ જાળવી રાખી હતી. 435 રનના ટાર્ગેટનો પીછો કરતાં ઇંગ્લેન્ડની ટીમ મેચના અંતિમ દિવસના બીજા સત્રમાં 352 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ઓસ્ટ્રેલિયાએ પર્થ અને બ્રિસ્બેન ટેસ્ટ 8-8 વિકેટથી જીતી હતી. સીરિઝમાં હજુ બે ટેસ્ટ મેચ બાકી છે અને આગામી મેચ 26 ડિસેમ્બરથી મેલબોર્નમાં રમાશે.
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે જણાવ્યું હતું કે ત્રણ-શૂન્યથી વિજય ઘણા કારણોસર ખૂબ જ સંતોષકારક છે. કમિન્સે પીઠની ઇજામાંથી વાપસી કરીને છ વિકેટ લીધી હતી. ઈંગ્લેન્ડના સુકાની સ્ટોક્સે કહ્યું હતું કે અમે સ્પષ્ટપણે અહીં એક ધ્યેય સાથે આવ્યા હતા અને અમે તે પ્રાપ્ત કરી શક્યા નથી. તે દુઃખદાયક અને ખરાબ છે.
એડિલેડ ટેસ્ટના પાંચમા દિવસે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે ચાર વિકેટની જરૂર હતી. જેમી સ્મિથ (60), વિલ જેક્સ (47) અને બ્રાયડન કાર્સે (અણનમ 39)એ સખત લડત આપીહતી, પરંતુ તે વિજય મેળવવા માટે પૂરતું ન હતું. નવા બોલ સાથે ઝડપી બોલર મિશેલ સ્ટાર્કે સ્મિથ, જેક્સ અને જોફ્રા આર્ચર (1) ને આઉટ કરીને પોતાની ટીમને વિજયની નજીક લાવી દીધી. ત્યારબાદ સ્કોટ બોલેન્ડે જોશ ટોંગ (3) ને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાની જીત પર મહોર લગાવી.
એડિલેડ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને 371 રન બનાવ્યા. વિકેટકીપર-બેટર એલેક્સ કેરીએ શાનદાર 106 રનનું યોગદાન આપ્યું હતું. ઇંગ્લેન્ડે કેપ્ટન બેન સ્ટોક્સના 83 રનના સમર્થનથી પોતાની પ્રથમ ઇનિંગમાં 286 રન બનાવ્યા હતાં. તેમની પહેલી ઈનિંગના આધારે ઓસ્ટ્રેલિયા પાસે 85 રનની નોંધપાત્ર લીડ હતી. ટ્રેવિસ હેડની સદી (171)ની મદદથી ઓસ્ટ્રેલિયાએ પોતાની બીજી ઇનિંગમાં 349 રન બનાવ્યા હતાં, જેના કારણે ઇંગ્લેન્ડ માટે એક મોટો ટાર્ગેટ મળ્યો હતો. ઈંગ્લેન્ડે છેલ્લે 2015માં એશિઝ જીતી હતી.













