યુકે
(Photo by Jeff J Mitchell/Getty Images)

આર્કટિક હવા દક્ષિણ તરફ આગળ વધી રહી છે ત્યારે સબ-ઝીરો ટેમ્પેરચર, સ્નો, આઇસ અને જોખમી મુસાફરીની વ્યાપક સ્થિતિ વચ્ચે યુકેના લોકો હાલમાં તીવ્ર ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. હવામાન વિભાગે સ્કોટલેન્ડ, નોર્ધર્ન આયર્લેન્ડ, વેલ્સ અને ઇંગ્લેન્ડના મોટાભાગના વિસ્તારોમાં એમ્બર અને યલો હવામાન ચેતવણીઓ જારી કરી છે. કેટલાક વિસ્તારોમાં 30 સેમી સુધી બરફ જમા થવાની ચેતવણીઓ અપવામાં આવી છે. આ તીવ્ર ઠંડીએ મુસાફરી, શિક્ષણ અને દૈનિક જીવનને નોંધપાત્ર રીતે ખોરવી નાખ્યું છે.

તા. 6ના રોજ મળસ્કે નોર્થ વેસ્ટ લંડનના નોર્થોલ્ટ ખાતે લધુત્તમ તાપમાન -7.8 સેલ્સીયસ સુધી ઘટી ગયું હતું. હીથ્રો એરપોર્ટ પર લઘુત્તમ તાપમાન -5.9 સેલ્સીયસ અને સેન્ટ જેમ્સ પાર્કમાં -3.7 સેલ્સીયસ વહેલી સવારે નોંધાયું હતું. રાજધાનીમાં શિયાળાનું નોંધાયેલું આ તાપમાન અત્યાર સુધીનું સૌથી ઓછું છે. જ્યારે નોર્ફોકમાં -12.5 સેલ્સિયસ, બર્મિંગહામ, બોર્નમથ અને સાઉધમ્પ્ટનમાં -8 સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. ઠંડા પવને જોખમને વધુ તીવ્ર બનાવ્યું હતું અને કેટલાક વિસ્તારોમાં 16 માઇલ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.

હવામાન નિણ્ણાંતોએ જણાવ્યું હતું કે ગ્રીનલેન્ડથી ઉદ્ભવતા આ આર્કટિક ઠંડો વિસ્ફોટ જાન્યુઆરીના મધ્ય સુધી ચાલુ રહી શકે છે, જે બર્ફીલા પરિસ્થિતિઓને લંબાવી શકે છે અને અગામી મહિનાના અંતમાં તાપમાન ધીમે ધીમે વધે તે પહેલાં વધારે બર્ફીલા વાતાવરણ અને ઘટનાઓની શક્યતા છે. ઠંડીનો આ દોર આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે અને આર્કટિક હવા હળવી એટલાન્ટિક સિસ્ટમ્સ સાથે અથડાઈ રહી હોવાથી વધુ સ્નો પડવાની શક્યતા છે.

હવામાન વિભાગે ઉત્તરીય સ્કોટલેન્ડના કેટલાક ભાગો માટે એમ્બર બરફની ચેતવણી જારી કરી છે, જ્યાં હાઇ લેન્ડ પર 30 સેમી સુધી બરફ પડ્યો છે, જ્યારે યલો સ્નો અને આઇસની ચેતવણીઓ ઈંગ્લેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડના મોટા ભાગને આવરી લે છે. એમ્બર એલર્ટ જીવન માટે જોખમ, વીજળી ગુલ થવા અને મોટી મુસાફરી વિક્ષેપ સૂચવે છે.
ગયા અઠવાડિયે લેસ્ટરનું સૌથી ઓછું લઘુત્તમ તાપમાન -4.1° સેલ્સીયસ, લંડનનું -4.4° સેલ્સીયસ, બર્મિંગહામનું -4 સેલ્સીયસ અને માન્ચેસ્ટરનું લઘુત્તમ તાપમાન -6.1°C ની નોંધાયું હતું.

દરમિયાન, યુકેમાં બેઘર લોકો માટેના આશ્રયસ્થાનો પર પણ દબાણ વધી ગયું છે. કાઉન્સિલો દ્વારા સીવીયર વેધર ઇમરજન્સી પ્રોટોકોલને અમલી બનાવાયો છે. ચેરિટી સંસ્થાઓએ ચેતવણી આપી છે કે આ અઠવાડિયે તાપમાન ફરી શૂન્યથી નીચે જવાથી બેઘર લોકોની સંખ્યામાં વધારો થશે અને મર્યાદિત આશ્રયની ક્ષમતા ઘણા લોકોને ગંભીર જોખમમાં મૂકશે. લોકો હટીંગ વધુ સમય ચાલુ રાખી શકે તે માટે સંવેદનશીલ પરિવારોને ટેકો આપવા માટે સેંકડો પોસ્ટકોડ વિસ્તારોમાં £25ની કોલ્ડ વેધર પેયમેન્ટ આપવામાં આવ્યું છે.

આગામી સપ્તાહે પણ ઠંડીનું જોર રહેશે
લેસ્ટર વિસ્તારમાં આગામી ૧૦થી ૧૯ જાન્યુઆરી સુધી, દિવસ દરમિયાન તાપમાન ધીમે ધીમે 4થી 8° સેલ્સીયસ અને રાત્રિનું લઘુત્તમ તાપમાન સામાન્ય રીતે 1થી 4° સેલ્સીયસ રહેશે. કેટલાક ઠંડા દિવસો દરમિયાન રાત્રે થોડો સ્નો થવાની અપેક્ષા છે. જાન્યુઆરીના અંતમાં સરેરાશ તાપમાન 5-6° સેલ્સીયસની નજીક રહેવાની શક્યતા છે.
લંડનમાં જાન્યુઆરીના મધ્યમાં દિવસનું મહત્તમ તાપમાન 7-9° સેલ્સીયસ અને લઘુત્તમ તાપમાન 3-6°સેલ્સીયસની આસપાસ જોવા મળશે. મહિનાના બીજા ભાગમાં, લંડનનું ઉચ્ચ તાપમાન ઘણીવાર 8-11° સેલ્સીયસની વચ્ચે રહેશે.
બર્મિંગહામમાં 10-19 જાન્યુઆરી દરમિયાન દિવસનું મહત્તમ તાપમાન 7-8° અને રાત્રિનું લઘુત્તમ તાપમાન માઇમસ 1ખી 4° સેલ્સીયસ રહેશે. જાન્યુઆરીના અંતમાં હવામાન 7-9° સેલ્સીયસની નજીક રહેવાની શક્યતા છે.
માન્ચેસ્ટરમાં જાન્યુઆરીના મધ્ય સુધી તાપમાન દિવસે 8°C અને રાત્રે 3-4°C ની આસપાસ વધશે, જાન્યુઆરીના અંતમાં હવામાન 7-9°Cની આસપાસ ઠંડુ રહેશે.

એસેક્સના એપિંગ ફોરેસ્ટમાં બે વ્યક્તિઓ થીજી ગયેલા તળાવમાં પડ્યા
એસેક્સના એપિંગ ફોરેસ્ટમાં રવિવારે બપોરે કનોટ વોટર ખાતે બરફ પર ભટકતા એક કૂતરાને બચાવવાનો પ્રયાસ કરી રહેલો એક માણસ થીજી ગયેલા તળાવમાં પડી ગયો હતો. જેને બચાવવાનો પ્રયાસ કરનાર માણસ પણ બર્ફીલા તળાવમાં ડૂબ્યો હતો. તે બન્ને જેમ તેમ 15 મિનિટ સુધી સંઘર્ષ કરી સુરક્ષિત રીતે બહાર આવ્યા હતા. પેરામેડિક્સે બંનેની સારવાર કરી હતી અને એકને વધુ સાર-સંભાળ માટે વ્હિપ્સ ક્રોસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

શાળાઓ, રેલસેવા તથા એરપોર્ટને અસર
સ્કોટલેન્ડ, નોર્ધર્ન આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડના કેટલાક ભાગો સહિત અનેક પ્રદેશોમાં અસુરક્ષિત પરિસ્થિતિઓને કારણે ઓછામાં ઓછી 775 શાળાઓ બંધ કરવામાં આવી છે. ઠંડીને કારણે રેલ સેવાઓ ગંભીર રીતે પ્રભાવિત થઈ હતી. યુરોસ્ટારે એમ્સ્ટરડેમ અને રોટરડેમ જતી ટ્રેનો રદ કરી હતી, અને LNER દ્વારા મુખ્ય રૂટ પર મુસાફરી ન કરવા ચેતવણીઓ અપી હતી. લંડનમાં અનેક અંડર ગ્રાઉન્ડ ટ્યુબ સર્વિસમાં થીજી ગયેલા બિંદુઓ અને ખામીયુક્ત ટ્રેનોને કારણે સસ્પેન્શન અને વિલંબનો અનુભવ થયો હતો. સ્નો અને આઇસે એરપોર્ટને અસર કરતા એબરડીન અને ઇન્વરનેસથી ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.

કાતિલ ઠંડી અને સ્નોને કારણે ટ્રાન્સપોર્ટ નેટવર્કને ભારે અસર થઈ છે. રેલ સેવાઓ, ખાસ કરીને સ્કોટલેન્ડ અને નોર્ધન ઇંગ્લેન્ડમાં, વિલંબ અને કેન્સલેશન થઇ રહ્યું છે. જ્યારે એબરડીન, ઇન્વરનેસ અને બેલફાસ્ટ સહિતના એરપોર્ટ બરફથી ઢંકાઇ જતા તેમના રનવેને કારણે કામચલાઉ ધોરણે બંધ કરવામાં આવ્યા છે. રસ્તાની સ્થિતિ જોખમી છે અને બર્ફીલા રસ્તાઓ અને વહેતા બરફને કારણે સ્થાનિક અધિકારીઓએ ગ્રિટર અને સ્નોપ્લાઉ તૈનાત કરવા પડ્યા છે.
ઇંગ્લેન્ડમાં એમ્બર કોલ્ડ-હેલ્થ એલર્ટ

યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સી (UKHSA) એ હવે ઇંગ્લેન્ડના તમામ પ્રદેશોમાં એમ્બર કોલ્ડ-હેલ્થ એલર્ટ (CHA) ને વિસ્તૃત કરી છે, જે બુધવાર 31 ડિસેમ્બરના રોજ રાત્રે 8 વાગ્યાથી મંગળવાર 6 જાન્યુઆરીના રોજ સવારે 10 વાગ્યા સુધી લાગુ પડી હતી. આ અગાઉ, ફક્ત નોર્થ વેસ્ટ અને નોર્થ ઇસ્ટ વિસ્તારોમાં એમ્બર એલર્ટ હેઠળ હતા, જ્યારે અન્ય પ્રદેશો યલો એલર્ટ હતા.

એમ્બર એલર્ટ એ સંકેત આપે છે કે ઠંડા હવામાનની અસર આરોગ્ય અને સોસ્યલ કેર ક્ષેત્રમાં થવાની સંભાવના છે, જે સમગ્ર વસ્તીને સંભવિત રીતે અસર કરે છે. લાંબા સમય સુધી ઠંડી રહેવાથી હૃદયરોગના હુમલા, સ્ટ્રોક અને શ્વસન સંબંધી બીમારીઓનું જોખમ નોંધપાત્ર રીતે વધે છે. ખાસ કરીને વૃદ્ધ લોકો અને હાલની આરોગ્ય સમસ્યાઓ ધરાવતા લોકો અને ખુલ્લામાં સૂતા લોકોને કાતિલ ઠંડીની ખરાબ અસર થશે. લોકોને શરદી સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ પણ વધારે રહેશે.

UKHSA ખાતે હેલ્થ પ્રોટેક્શન કન્સલ્ટન્ટ ડૉ. પોલ કોલમેને ચેતવણી આપી છે કે લાંબા સમય સુધી ઠંડીના સંપર્કમાં રહેવાથી હૃદયરોગના હુમલા, સ્ટ્રોક અને છાતીમાં ચેપનું જોખમ વધી શકે છે. તેમણે જનતાને વિનંતી કરી કે તેઓ સંવેદનશીલ મિત્રો, પરિવાર અને પડોશીઓની કાળજી લેતા રહે અને ઠંડી દરમિયાન સુરક્ષિત રહેવા માટે UKHSA દ્વારા જારી કરાયેલ માર્ગદર્શનનું પાલન કરે.

હવામાન કચેરી ટૂંકા ગાળાની સૂચના પર આઇસ અને સ્નો માટે રાષ્ટ્રીય ગંભીર હવામાન ચેતવણીઓ પણ જારી કરી શકે છે, જે વ્યાપક ગંભીર હવામાન જોખમો રજૂ કરે છે.

ઇમરજન્સી સેવાઓ પણ હાઇ એલર્ટ પર
ઇમરજન્સી સેવાઓ પણ હાઇ એલર્ટ પર છે અને તેમણે ફસાયેલા વાહનચાલકોને ઘણાં કિસ્સોમાં મદદ કરી છે. જોખમી મુસાફરી, ભારે બરફ અને અત્યંત નીચા તાપમાનના મિશ્રણને કારણે ખાસ કરીને સંવેદનશીલ લોકો માટે હેલ્થ કેર સેવાઓની માંગમાં પણ વધારો થયો છે.

લોકોને બિન-આવશ્યક મુસાફરી ટાળવા અને ખુલ્લા માર્ગો પર ભારે સાવધાની રાખવાની સલાહ આપવામાં આવેલ છે. એસેક્સ ફાયર એન્ડ રેસ્ક્યુ સર્વિસે લોકોને થીજી ગયેલા પાણીમાં ન જવા અને તેના બદલે 999 પર ફોન કરવા વિનંતી કરી છે. તેમણે ચેતવણી આપી છે કે ઠંડુ પાણી થોડીવારમાં શરીરને ડૂબી શકે છે.

રહેવાસીઓને સતર્ક રહેવા, સત્તાવાર હવામાન ચેતવણીઓ પર નજર રાખવા અને આરોગ્ય જોખમો અને મુસાફરીમાં વિક્ષેપો ઘટાડવા માટે સલામતી માર્ગદર્શિકાનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.

 

LEAVE A REPLY