વોરેન બફેટ બર્કશાયર હેથવેના સીઈઓ તરીકે સત્તાવાર રીતે 31 ડિસેમ્બરે નિવૃત્ત થયા હતાં. તેમણે છ દાયકાના કાર્યકાળમાં એક નિષ્ફળ કાપડ મિલને ટ્રિલિયન ડોલરના સામ્રાજ્યમાં પરિવર્તિત કરી હતી. ઓરેકલ ઓફ ઓમાહા તરીકે ઓળખતા બફેટ શેરધારકો માટે બેલેન્સ શીટ કરતાં વધુ મૂલ્યવાન વારસો છોડી ગયા છે. શેરબજારની તેજી અને કડાકામાં પણ કેવી રીતે કમાણી કરી તેના તેમના સિદ્ધાંત વિશ્વભરના રોકાણકારો માર્ગદર્શક બન્યાં છે.
વિશ્વભરમાં વેલ્યૂ ઈન્વેસ્ટર તરીકે જાણીતા વોરેન બફેટ પછી અમેરિકાની સૌથી આદરપાત્ર કંપની બર્કશાયર હાથવેનું ભાવિ શું હશે તેવા પ્રશ્નો પણ થવા લાગ્યા હતાં. બફેટનાં સ્થાને વાઈસ ચેરમેન ગ્રેગરી એબલ 1 જાન્યુઆરીથી ચાર્જ સંભાળશે.
95 વર્ષીય વોરેન બફેટે કહ્યું હતું કે તેઓ નિવૃત્ત થયા પછી પણ ઓફિસ આવતા રહેશે અને બોર્ડના ચેરમેન તરીકે કામગીરી કરતા રહેશે. જોકે રોજબરોજની લીડરશિપ કામગીરીમાંથી નિવૃત્તિ સાથે છ દાયકાનો તેમનો કાર્યકાળ પૂરો થઈ જશે જેણે અમેરિકન મૂડીવાદને નવો આકાર આપ્યો હતો. બર્કશાયર અમેરિકાની નવમા ક્રમની સૌથી મૂલ્યવાન કંપની છે. તે અમેરિકાની બીજા ક્રમની સૌથી મોટી પ્રોપર્ટી અને લાયેબિલિટી ઈન્સ્યોરર છે. બર્કશાયરના સ્ટોક્સ, બોન્ડ્સ અને કેશનું મૂલ્ય મળીને 700 અબજ ડોલરથી વધુ થાય છે. તેમાં 380 અબજ ડોલર જેવી જંગી કેશ છે. તેના 200થી વધુ કાર્યરત્ બિઝનેસ છે.














