બ્રિટનની વસ્તીના ઇતિહાસમાં ૨૦૨૬નું વર્ષ એક નિર્ણાયક વળાંક સાબિત થઈ શકે તેમ છે. અગ્રણી થિંક ટેન્ક ‘રીઝોલ્યુશન ફાઉન્ડેશન’ ના તાજેતરના અહેવાલ મુજબ, આ વર્ષથી યુકેમાં જન્મ લેતા બાળકોની સંખ્યા કરતા મૃત્યુ પામતા લોકોની સંખ્યા વધી શકે છે, જે દેશની વસ્તીમાં ઘટાડાના નવા યુગની શરૂઆત કરશે.
રીઝોલ્યુશન ફાઉન્ડેશનના રીસર્ચ ડાયરેક્ટર ગ્રેગરી થ્વૈટ્સે જણાવ્યું હતું કે, આ ફેરફારનું મુખ્ય કારણ મૃત્યુદરમાં વધારો નહીં, પરંતુ પ્રજનન દરમાં ભારે ઘટાડો છે. ૧૯૬૦ના દાયકામાં યુકેમાં પ્રતિ મહિલા સરેરાશ ૩ બાળકોનો જન્મ થતો હતો, જે ૨૦૨૪ સુધીમાં ઘટીને માત્ર ૧.૪ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, વસ્તીને સ્થિર રાખવા માટે પ્રતિ મહિલા ૨.૧ નો પ્રજનન દર હોવો જરૂરી છે.
ઐતિહાસિક રીતે જોઈએ તો, ૨૦મી સદીમાં ૧૯૭૬ અને કોરોનાકાળ (૨૦૨૦ અને ૨૦૨૩) ને બાદ કરતાં હંમેશા મૃત્યુ કરતા જન્મની સંખ્યા વધુ રહી છે. પરંતુ ૨૦૨૪માં આ તફાવત ખૂબ જ ઓછો હતો અને હવે ૨૦૨૬થી મૃત્યુઆંક વધી જવા અને જન્મદર ઘટી જવાની પ્રબળ શક્યતા છે. અહેવાલ મુજબ, ૨૦૪૦ના દાયકાના મધ્ય સુધીમાં વાર્ષિક મૃત્યુઆંક જન્મ કરતા ૧,૦૦૦,૦૦ જેટલો વધી શકે છે.
આ વસ્તી વિષયક પરિવર્તન માત્ર આંકડાકીય નથી, તે દેશની અર્થવ્યવસ્થા માટે ગંભીર પડકાર ઉભો કરી શકે છે. ફાઉન્ડેશનના ચીફ એક્ઝિક્યુટિવ રૂથ કર્ટિસના જણાવ્યા અનુસાર, વૃદ્ધ થતી વસ્તીને કારણે જાહેર સેવાઓ અને ટેક્સની આવકો સામે મોટા પ્રશ્નાર્થો ઉભા થશે.
ઓફિસ ફોર બજેટ રીસ્પોન્સિબિલિટી (OBR) ની આગાહી મુજબ:
• આગામી ૫૦ વર્ષમાં રાજ્ય પર આધાર ધરાવતી વસ્તીનું પ્રમાણ ૩૧% થી વધીને ૪૭% થઈ શકે છે.
• કામ કરતી વસ્તી ઓછી થવાને કારણે પેન્શન, આરોગ્ય અને કલ્યાણકારી યોજનાઓ માટે વધુ ભંડોળની જરૂર પડશે, પણ તે પ્રાપ્ત કરવું મુશ્કેલ બનશે.
• વર્તમાન નીતિઓ ચાલુ રહેશે તો ૨૦૭૦ સુધીમાં યુકેનું દેવું તેના જીડીપીના ૨૭૦% સુધી પહોંચી શકે છે.
અત્યાર સુધી બ્રિટનમાં ચર્ચા એ વાત પર થતી હતી કે દેશ માનવ વસ્તીથી ‘ઉભરાઈ ગયો’ છે અને ઈમિગ્રેશન અટકાવી દેવું, સ્થગિત કરી દેવું જોઈએ. જો કે, ગ્રેગરી થ્વૈટ્સના મતે, હવે ચર્ચા એ દિશામાં વળશે કે વસ્તીમાં થતો ઘટાડો કેવી રીતે અટકાવવો. ૨૦૧૪ થી ૨૦૨૪ દરમિયાન બ્રિટનની વસ્તી ૬૪.૬ મિલિયનથી વધીને ૬૯.૩ મિલિયન થઈ છે, જેમાં મુખ્ય ફાળો ઈન્ટરનેશનલ ઈમિગ્રેશનનો જ રહ્યો છે.
લાન્સેટના અભ્યાસ મુજબ, યુકે સહિતના વિકસિત દેશોએ ભવિષ્યમાં પોતાની આર્થિક વૃદ્ધિ જાળવી રાખવા આફ્રિકન દેશોના ઈમિગ્રન્ટ્સ ઉપર નિર્ભર રહેવું પડશે, કારણ કે ૨૦૫૦ સુધીમાં વિશ્વના દર ચારમાંથી ત્રણ દેશોમાં વસ્તી ઘટવા લાગશે.
ટૂંકમાં, યુકે માટે ૨૦૨૬ એ એક સદી જૂના પ્રકરણનો અંત અને એક નવા પડકારજનક યુગની શરૂઆત છે જ્યાં દેશની વૃદ્ધિનો તમામ આધાર માત્ર અને માત્ર ઇમિગ્રેશન પર નિર્ભર રહેશે.













