લંડનના મેયર સાદિક ખાને ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટીકાને ફગાવતા કહ્યું છે કે ‘’યુકેની રાજધાની લંડન વિભાજનકારી રાજકારણ સામે દિવાલ બની ગઈ છે અને શહેરના ગુનામાં તીવ્ર ઘટાડો થયો છે.
સોમવારે સત્તાવાર આંકડા જાહેર કરતા ખાને કહ્યું હતું કે ‘’લંડનમાં 2025માં હત્યાના 97 બનાવો નોંધાયા છે, જે 2024 કરતા 11 ટકાનો ઘટાડો છે અને 11 વર્ષમાં સૌથી નીચુ સ્તર છે. ઇજા પહોંચાડતી હિંસક ઘટનાઓમાં લગભગ 20 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે ગોળીબાર કરવાના બનાવો સાત વર્ષ પહેલાની સરખામણીમાં અડધાથી પણ ઓછા હતા.’’
ખાને આ પ્રગતિનો શ્રેય લક્ષિત પોલીસિંગ, ચહેરાની ઓળખ કરતી ટેકનોલોજી અને મેટ્રોપોલિટન પોલીસના કાર્યને આપ્યો હતો. જે દર મહિને લગભગ 1,000 વધારાના ગુનેગારોની ધરપકડ કરી રહી છે. તેમણે નિવારણ અને પ્રારંભિક હસ્તક્ષેપમાં વાયોલન્સ રીડક્શન યુનિટની ભૂમિકા પર પણ પ્રકાશ પાડ્યો હતો.
મહિલાઓ સામે ચોરી અને હિંસા અંગેની ચિંતાઓને સંબોધતા ખાને કહ્યું હતું કે ‘’દૃશ્યમાન અને ગુપ્ત પોલીસિંગમાં વધારો થવાથી વ્યક્તિઓને લૂંટવાના બનાવોમાં 15 ટકાનો ઘટાડો થયો છે અને ચોરીમાં 25 ટકાનો ઘટાડો થયો છે. પ્રગતિ નોંધપાત્ર હોવા છતાં, અધિકારીઓ લંડનને સુરક્ષિત રાખવા માટે સતર્ક રહે છે.’’













