પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ભારતની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ અમદાવાદ જિલ્લામાં સાણંદ નજીક રૂ.૩૫,૦૦૦ કરોડના રોકાણ સાથે એક નવો પ્લાન્ટ વિકસાવશે, જેનાથી ૧૨,૦૦૦ વ્યક્તિઓ માટે રોજગારની સંભવિત તકો ઉભી થશે. કંપની ખોરાજ GIDC ખાતે પ્લાન્ટ સ્થાપિત કરશે.

રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે શનિવારે ગાંધીનગરમાં મારુતિ સુઝુકીના મેનેજિંગ ડિરેક્ટર હિસાશી તાકેઉચીને આ પ્લાન્ટ માટે “રોકાણ પત્ર” સોંપ્યો હતો.આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મારુતિ સુઝુકીના પૂર્ણકાલીન ડિરેક્ટર અને એક્ઝિક્યુટિવ કમિટી સભ્ય સુનીલ કક્કર પણ હાજર રહ્યા હતા.

સરકારે જણાવ્યું હતું કે મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ ખોરાજ ખાતે GIDC (ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ) દ્વારા ઉપલબ્ધ કરાયેલી 1,750 એકર જમીન પર રૂ. 35,000 કરોડના રોકાણ સાથે એક નવો વાહન ઉત્પાદન પ્લાન્ટ સ્થાપિત કરશે. આ નવા મારુતિ પ્લાન્ટથી ૧૨,૦૦૦ થી વધુ લોકો માટે રોજગારની સંભવિત તકો ઉભી થશે.

મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે આ ફક્ત એક નવી ઓટોમોબાઈલ ઉત્પાદન સુવિધા નથી, પરંતુ દેશના સૌથી મોટા અને સૌથી સ્પર્ધાત્મક ઓટોમોબાઈલ ઉત્પાદન કોરિડોરને વધુ મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, ભારત-ગુજરાત-જાપાન સંબંધો મજબૂત રહ્યા છે.

આ નવા પ્લાન્ટ માટે વાયબ્રન્ટ સમિટ 2024 દરમિયાન ગુજરાત સરકાર અને મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ વચ્ચે એક સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરાયા હતાં. પીએમ મોદીએ 2012માં સુઝુકી મોટર્સને ગુજરાતમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું. તે પછી કંપનીએ હાંસલપુરમાં પ્રથમ પ્લાન્ટ સ્થાપ્યો હતો. હાંસલપુર પ્લાન્ટમાં હાલમાં દર વર્ષે 7.5 લાખ કારનું ઉત્પાદન થાય છે અને 2026-27 નાણાકીય વર્ષ સુધીમાં દર વર્ષે 10 લાખ યુનિટના ઉત્પાદન સુધી પહોંચવા માટે તેમાં 2.5 લાખ કારનો વધારો કરવાની યોજના બનાવવામાં આવી છે

LEAVE A REPLY