REUTERS/Denis Balibouse

સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં ૧૯થી ૨૩ જાન્યુઆરી દરમિયાન યોજાઈ રહેલી વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાર્ષિક બેઠકમાં નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત સરકારનું એક પ્રતિનિધિમંડળ ભાગ લેશે. તેઓ વૈશ્વિક બિઝનેસ નેતાઓ, રોકાણકારો અને નીતિ નિર્માતાઓ સાથે વિચાવિમર્શ કરશે.

રાજ્ય સરકારનું પ્રતિનિધિમંડળ ‘વિકસિત ગુજરાત@2047’ ના સંકલ્પને વૈશ્વિક મંચ પર લઈ જવા માટે ભાગ લેશે અને આ અંગેનો રોડમેપ રજૂ કરશે. અધિકારીઓના જણાવ્યા મુજબ, સંઘવી રાજ્યમાં રોજગાર અને ઔદ્યોગિક વિકાસને વેગ આપવા અને મેન્યુફેક્ટરિંગ, કાપડ, સેમિકન્ડક્ટર, ફાર્માસ્યુટિકલ્સ, નવીનીકરણીય ઉર્જા, ફૂડ પ્રોસેસિંગ, રસાયણો, શિપિંગ-લોજિસ્ટિક્સ અને એરોસ્પેસ જેવા મુખ્ય ક્ષેત્રોમાં રોકાણ આકર્ષવા માટે વિશ્વભરના ટોચના ઉદ્યોગપતિઓ અને નેતાઓ સાથે 58 ઉચ્ચ-સ્તરીય વન-ટુ-વન બેઠકોમાં ભાગ લેશે.

રાજ્યના ઉદ્યોગ પ્રધાનનો પણ હવાલો સંભાળતાં સંઘવી ગુજરાતના ઔદ્યોગિક ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા અને યુવાનો માટે મોટા પાયે રોજગારની નવી તકો ઊભી કરવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે આ ફોરમની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન, રાજ્ય સરકારનું પ્રતિનિધિમંડળ એપી મોલર મેર્સ્ક, એન્જી, ઇડીએફ, જોહ્ન્સન કંટ્રોલ્સ, સુમિટોમો ગ્રુપ, લિન્ડે, સીલ્સક્યુ અને ટિલમેન ગ્લોબલ જેવા વૈશ્વિક કોર્પોરેશનોના વડાઓ સાથે ચર્ચા કરશે. આ બેઠકો દ્વારા ગુજરાતમાં નવી ટેકનોલોજી લાવવા, નવીનતાને પ્રોત્સાહન આપવા અને લાંબા ગાળાના આંતરરાષ્ટ્રીય સંબંધો વિકસાવવા પર ખાસ ભાર મૂકવામાં આવશે. રાજ્ય સરકાર ગુજરાતને વૈશ્વિક મૂલ્ય શૃંખલામાં એક મહત્વપૂર્ણ ભાગીદાર તરીકે ઉભરી આવે તે માટે પ્રયાસ કરી રહી છે

LEAVE A REPLY