અમેરિકાના ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને લગભગ 40 દેશોના લોકો સામે વ્યાપક પ્રમાણમાં વિઝા પ્રતિબંધો ફરમાવ્યા પછી આ વર્ષના ફૂટબોલ વર્લ્ડ કપ માટે સૌપ્રથમ રાહતો અગાઉ જ જાહેર કરી હતી, એ પછી તાજેતરમાં 2028ની ઓલિમ્પિક ગેમ્સ સહિત સંખ્યાબંધ સ્પોર્ટિંગ ઈવેન્ટ્સમાં ભાગ લેનારા એથ્લેટ્સ અને કોચીઝ માટે વિઝા પ્રતિબંધોમાં રાહતની જાહેરાત કરી હતી.
અમેરિકાના વિદેશ વિભાગે ગયા સપ્તાહે તમામ અમેરિકન એમ્બેસીઓ તેમજ કોન્સ્યુલેટ્સને પાઠવેલા કેબલમાં સૂચના આપી હતી કે, ફૂટબોલ વર્લ્ડ કપ, ઓલિમ્પિક્સ ઉપરાંત સંખ્યાબંધ કોલેજીએટ તથા પ્રોફેશનલ સ્પોર્ટિંગ લીગ્સ તેમજ એસોસિએશન્સ દ્વારા સંચાલિત અથવા એન્ડોર્સ કરાયેલી સ્પોર્ટિંગ ઈવેન્ટ્સમાં ભાગ લેવા આવતા એથ્લેટ્સ, કોચીઝ તેમજ સપોર્ટિંગ સ્ટાફ માટે વિઝા પ્રતિબંધોનો અલમ કરવો નહીં. જો કે, પ્રતિબંધિત દેશોના પ્રેક્ષકો, મીડિયા કર્મચારીઓ તેમજ સ્પોન્સર્સ કે તેમના પ્રતિનિધિઓને અન્ય માપદંડોમાં રાહત મળતી હોય તો જ તેઓ વિઝા મેળવવાને પાત્ર ગણાશે.
વિઝા પ્રતિબંધમાં વ્યાપક રાહતો ફક્ત ફૂટબોલ વર્લ્ડ કપ, ઓલિમ્પિક્સ અને પેરાલિમ્પિક્સ માટે બહોળા વર્ગના લોકોને માટે મંજુર કરાઈ છે.













