અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે યુરોપના ટાપુ દેશ ગ્રીનલેન્ડને ખરીદવાની જીદે ચઢ્યા છે. આ માટે તેઓ કોઈ પણ હદે જવા તૈયાર હોવાનું જણાય છે. આ કારણે પરંપરાગત સાથીઓ ગણાતા યુરોપના નાટો દેશો અને અમેરિકા વચ્ચે મોટો ગજગ્રાહ સર્જાયો છે. સામસામો ટેરિફ વોર પણ શરૂ થઇ ગયો છે.
વર્ષ 2019માં જે વાતને ડેન્માર્ક દ્વારા ‘નિરર્થક’ ગણાવીને ફગાવી દેવામાં આવી હતી, તે જ ગ્રીનલેન્ડ ખરીદવાની જીદ હવે એક ગંભીર ભૌગોલિક-રાજકીય કટોકટીમાં ફેરવાઈ ગઈ છે. જાન્યુઆરી 2026 સુધીમાં આ વિવાદ માત્ર નિવેદનો પૂરતો મર્યાદિત ન રહેતા ‘ટ્રેડ વોર’ અને સૈન્ય તણાવ સુધી પહોંચી ગયો છે. પ્રમુખ ટ્રમ્પે તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મે ‘ટ્રુથ સોશિયલ’ પર જાહેરાત કરી હતી કે અમેરિકાની સુરક્ષા માટે ગ્રીનલેન્ડ અમેરિકા પાસે હોય એ અત્યંત જરૂરી છે. તેમના મતે, અમેરિકાની નવી મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ, જેને ગોલ્ડન ડોમ તરીકે ઓળખવામાં આવે છે, તેને અસરકારક બનાવવા માટે ગ્રીનલેન્ડના ભૌગોલિક ખૂણાઓ અને જમીન અત્યંત મહત્વના છે.
હકીકતમાં ગ્રીનલેન્ડમાં રહેલા દુર્લભ ખનિજો, યુરેનિયમ અને તેલના ભંડારો પર અમેરિકાની નજર છે. ચીન અને રશિયાના વધતા આર્કટિક પ્રભાવને રોકવા માટે ટ્રમ્પ ગ્રીનલેન્ડને ‘અમેરિકન સ્ટેટ’ બનાવવાની યોજના પર મક્કમ છે. જ્યારે ડેન્માર્ક અને યુરોપના અન્ય દેશોએ ગ્રીનલેન્ડ વેચવાની ના પાડી, ત્યારે ટ્રમ્પે આર્થિક હથિયારનો ઉપયોગ કર્યો છે. તેમણે જાહેરાત કરી છે કે: 1 ફેબ્રુઆરી, 2026થી ડેન્માર્ક, નોર્વે, સ્વીડન, ફ્રાન્સ, જર્મની, યુકે, નેધરલેન્ડ અને ફિનલેન્ડ પર 10% વધારાનો ટેરિફ લાગુ કરવામાં આવશે. 1 જૂન, 2026થી જો ગ્રીનલેન્ડનો સોદો પૂર્ણ નહીં થાય તો આ ટેરિફ વધારીને 25% કરી દેવામાં આવશે.
ટ્રમ્પનું કહેવું છે કે આ દેશો ગ્રીનલેન્ડમાં પોતાની સેના મોકલીને અમેરિકાના હિતો વિરુદ્ધ ‘ખતરનાક રમત રમી રહ્યા છે. ડેન્માર્કના વડાપ્રધાન અને ગ્રીનલેન્ડના વડાપ્રધાન જેન્સ-ફ્રેડરિક નીલ્સને સંયુક્ત નિવેદનમાં ટ્રમ્પના દાવાઓને સખત શબ્દોમાં ફગાવી દીધા છે. નીલ્સને સ્પષ્ટ કર્યું છે કે, “જયારે પસંદગી ડેન્માર્ક અને અમેરિકા વચ્ચે કરવાની આવશે, ત્યારે ગ્રીનલેન્ડ હંમેશા ડેન્માર્કને જ પસંદ કરશે. અમે અમેરિકન બનવા માંગતા નથી.”
ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને કહ્યું કે અમેરિકાની આ ધમકીઓ ચલાવી લેવામાં આવશે નહી. તેમણે યુરોપિયન યુનિયન (EU) ને એકસંપ થઈને વળતો જવાબ આપવાની હાકલ કરી છે. યુરોપ હવે અમેરિકા સામે ‘એન્ટી-કોર્સન ઇન્સ્ટ્રુમેન્ટ’ (Anti-Coercion Instrument) નો ઉપયોગ કરવાનું વિચારી રહ્યું છે, જે હેઠળ અમેરિકન વસ્તુઓ પર પણ ભારે ટેક્સ લાગી શકે છે.













